Business

બોમ્બની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગોની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. કુવૈતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો અને સુરક્ષાને ધ્યાને લઈ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.

સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને રન-વેથી દૂર એક આઈસોલેશન બે માં લઈ જવામાં આવ્યું. ત્યાર બાદ ફ્લાઇટમાં સવાર કુલ 180 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. બોમ્બના સંદેશને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી અને આ ફ્લાઇટ કુવૈતથી દિલ્હી તરફ જઈ રહી હતી.

પ્રોટોકોલ મુજબ તમામ 180 મુસાફરોનું અંગત ચેકિંગ અને પૂછપરછ શરૂ કરવામાં આવી. વિમાનમાંનો સમગ્ર સામાન બહાર કાઢી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું હતું.

સુરક્ષા એજન્સીઓએ કોઈ શંકાસ્પદ વસ્તુ શોધીને નિષ્ક્રિય કરવા સંપૂર્ણ વિમાનની તલાશી લીધી હતી. એરપોર્ટ પર એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને સ્થાનિક પોલીસનો કાફલો તૈનાત કરાયો. અત્યાર સુધીની તપાસમાં કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નથી, જે રાહતનો વિષય છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ધમકી અફવા હોવાનું જણાય છે, છતાં એજન્સીઓ કોઈ જોખમ લેવા નથી માંગતી અને તપાસ ચાલુ છે.

Most Popular

To Top