શહેરમાં અવારનવાર આગજનીની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને કાપડ માર્કેટોમાં આગ લાગવાની અનેક ઘટના બની રહી છે. આગ પર કાબુ મેળવવા માટે સુરત મહાનગર પાલિકાએ મોટો નિર્ણય લીધો છે. સુરત મહાનગરપાલિકાએ 38 હજાર લિટરના ફાયર ટેન્કર ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. આટલી મોટી ક્ષમતાના ફાયર ટેન્કર વસાવનાર સુરત પાલિકા દેશની પ્રથમ મનપા બનશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ઔદ્યોગિક શહેર હોવાથી ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો સુરતમાં નોકરી-વેપાર માટે આવતા સુરતની વસ્તીમાં તીવ્ર વધારો થઇ રહ્યો છે અને 70 લાખથી ઉપર પહોંચી ગઈ છે.
શહેર અને શહેરની ફરતે નવા રેસિડેન્સિયલ વિસ્તારોમાં ઊંચી ઊંચી ઈમારતો બની રહી છે. જેથી ફાયર ડિપાર્ટમેન્ટની જવાબદારી પણ વધી છે. લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી પાલિકા દ્વારા ફાયર સ્ટેશનોની સંખ્યા વધારવામાં આવી છે અને ફાયર કરોડોના ખર્ચે કંટ્રોલ માટેના નવા સાધનોની ખરીદી કરવામાં આવી છે. જેમાં પાલિકાએ હાઈ ટેકનોલોજીવાળા સાધનો પણ શામેલ કર્યા છે.
હવે પાલિકાએ 38 હજાર લિટરના વોટર ટેન્કર ખરીદવા માટેની કવાયત હાથ ધરી છે. આ ટેન્કરો ખાસ કાપડ માર્કેટોમાં અવારનવાર સર્જાતી આગ જેવી દુર્ઘટનાઓમાં ફાયરબ્રિગેડ માટે ખૂબ મદદગાર સાબિત થઇ શકે છે. હાલ પાલિકા પાસે મહત્તમ 15 હજાર લિટર કેપેસિટીના પાંચ ટેન્કરો છે. મોટી આગની ઘટનાઓમાં આ ટેન્કરોની મદદ લેવામાં આવતા હોવાનું જાણવા મળે છે.
સુરત શહેરના વિકાસને ધ્યાને રાખી આગ જેવી ઘટનાઓને પહોંચી વળવા માટે હાઇ ટેક્નોલોજીવાળા ફાયર સેફટીના સાધનોની જરૂરત પડે છે. સુરત મહાનગરપાલિકાએ 90 મીટરનો હાઇડ્રોલિક ટેબલ ધરાવનાર સુરત પાલિકા રાજ્યની એક માત્ર પાલિકા છે. જ્યારે સૌથી વધારે ત્રણ ટર્ન ટેબલ પણ સુરત પાલિકા પાસે જ ઉપલબ્ધ છે. હવે આગામી દિવસોમાં 38 હજાર લિટરના ટેન્કર ખરીદવા માટેની તૈયારી પાલિકાએ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.