Charchapatra

રખડતાં કૂતરાંઓ બાબતમાં સુપ્રીમ કોર્ટના આદેશનો કેમ આટલો વિરોધ થઈ રહ્યો છે?

સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે રખડતાં કૂતરાંઓ સંબંધિત કેસોમાં એક નવો આદેશ જારી કર્યો તેનો દેશભરનાં જીવદયાપ્રેમીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને રેલવે સ્ટેશનો જેવાં જાહેર સ્થળોએથી રખડતાં કૂતરાંઓને દૂર કરવા જણાવ્યું છે.

આ પછી, તેમને નસબંધી અને રસીકરણ કરીને આશ્રય ગૃહોમાં મૂકવામાં આવશે. સુપ્રીમ કોર્ટે હાઇ વે અને એક્સપ્રેસ વે પરથી રખડતાં પ્રાણીઓ દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સૂચનાઓનું કડક પાલન કરવું આવશ્યક છે. સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાઓ સંબંધિત કેસોમાં ઘણી વખત હસ્તક્ષેપ કર્યો છે. આ આદેશોનો વિરોધ પણ થયો હતો, જેના કારણે કોર્ટને કેટલાક નિર્દેશોમાં સુધારો કરવાની ફરજ પણ પડી હતી.

રખડતાં કૂતરાંઓને લગતા અનેક કેસો સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ હતા. દરમિયાન, ૨૮ જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા એક અહેવાલનું સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. આ અહેવાલમાં દિલ્હીની છ વર્ષની બાળકીના મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને રખડતાં કૂતરાંએ કરડી હતી. સુપ્રીમ કોર્ટે તેને ચિંતાજનક અને પરેશાન કરનાર કેસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે દિલ્હીમાં દરરોજ હજારો કૂતરાં કરડવાના બનાવો નોંધાય છે.

ત્યાર બાદ, ૧૧ ઓગસ્ટના રોજ થયેલી સુનાવણીમાં, કોર્ટે આદેશ આપ્યો કે દિલ્હી અને NCR માં બધાં રખડતાં કૂતરાંઓને પકડીને આશ્રયસ્થાનોમાં મૂકવામાં આવે. તેમને ત્યાં નસબંધી અને રસી આપવામાં આવશે અને પાછા શેરીઓમાં છોડવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ કે સંગઠન આ આદેશમાં અવરોધ ઊભો કરશે તો તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે આશ્રયસ્થાનમાં રાખવામાં આવેલાં કૂતરાંઓની યોગ્ય દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વ્યાપક વિરોધ  થયો હતો. કોર્ટના નિર્ણયની એક મોટી ટીકા એ હતી કે શહેરમાં કૂતરાંઓનાં આશ્રયસ્થાનોનો અભાવ હતો. આ વિરોધ બાદ, આ કેસ ત્રણ ન્યાયાધીશોની મોટી બેન્ચને મોકલવામાં આવ્યો, જેણે દેશભરમાં રખડતાં કૂતરાંઓ સંબંધિત તમામ કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કર્યા. ૨૨ ઓગસ્ટના રોજ, બેન્ચે તેના અગાઉના આદેશમાં સુધારો કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું  હતું કે નસબંધી અને રસીકરણ પછી કૂતરાંઓને તે વિસ્તારમાં પાછાં છોડી દેવામાં આવશે જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હતા. ફક્ત હડકવાથી સંક્રમિત કૂતરાંઓને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવશે. વધુમાં, દરેક વિસ્તારને કૂતરાંઓને ખોરાક આપવા માટે નિયુક્ત સ્થળો સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. કૂતરાંને દત્તક લેવા માંગતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ મ્યુનિસિપલ અધિકારીઓને અરજી કરી શકે છે. આ મુદ્દો ફક્ત દિલ્હી પૂરતો મર્યાદિત ન રહ્યો હતો.

કોર્ટે આ આદેશને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી લંબાવ્યો હતો અને તેમને પૂછ્યું કે તેઓ તેમનાં સંબંધિત રાજ્યોમાં આવાં પ્રાણીઓ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે શું પગલાં લઈ રહ્યાં છે તે સમજાવે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે શાળાઓ, હોસ્પિટલો, રમતગમત સંકુલ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવાં સ્થળોએ કૂતરાં કરડવાના બનાવો વધી રહ્યા છે. આ વહીવટી ઉદાસીનતા અને પ્રણાલીગત નિષ્ફળતાનું પરિણામ છે. આ જાહેર સલામતી, પર્યટન અને ભારતની આંતર રાષ્ટ્રીય છબી પર નકારાત્મક અસર કરી રહ્યું છે.

આ સમસ્યાના  ઉકેલ માટે, સુપ્રીમ કોર્ટે એક માર્ગદર્શિકા જારી કરી હતી. તે મુજબ બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ બે અઠવાડિયાંની અંદર આવી ખાનગી અને સરકારી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેની યાદી તૈયાર કરવી જોઈએ. રખડતાં કૂતરાંઓને પ્રવેશતાં અટકાવવા માટે આ સ્થળોએ પૂરતી સીમા દિવાલો, વાડ અને દરવાજા સ્થાપિત કરવાં જોઈએ. આ શક્ય તેટલી વહેલી તકે, પ્રાધાન્યપૂર્વક આઠ અઠવાડિયાંની અંદર કરવું જોઈએ.

આ બધી હોસ્પિટલો, રમતગમત સંકુલ, શૈક્ષણિક સંસ્થાઓએ એક અધિકારીની નિમણૂક કરવી પડશે જે સ્થળની દેખરેખ રાખશે. સ્થાનિક નગરપાલિકા કે પંચાયતે દર ત્રણ મહિનામાં એક વાર આ સ્થળોનું નિરીક્ષણ કરવું જોઈએ. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ખાતરી કરવી જોઈએ કે આ પરિસરમાં રખડતાં કૂતરાંઓને પકડીને આશ્રયગૃહોમાં રાખવામાં આવે, તેમની નસબંધી કરવામાં આવે અને તેમને રસી આપવામાં આવે અને તે જ વિસ્તારોમાં પાછાં છોડવામાં આવે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો પાસેથી આઠ અઠવાડિયાંમાં રિપોર્ટ માંગ્યો છે કે તેઓ આ આદેશોનો અમલ કેવી રીતે કરી રહ્યા છે. આ આદેશનો સખત વિરોધ ચાલી રહ્યો છે.

આ નિર્ણયનો અમલ કેટલો થશે તે જોવાનું બાકી છે. સૌથી મોટો પ્રશ્ન એ રહે છે કે આ રખડતાં પ્રાણીઓ અને કૂતરાંઓને ક્યાં રાખવામાં આવશે. જો કે, કોર્ટે પ્રાણીઓને દૂર કરવા માટે કોઈ સમયમર્યાદા આપી નથી. ફક્ત એટલું જ કહ્યું છે કે રાજ્યોએ શું પગલાં લીધાં છે તેનો અહેવાલ આઠ અઠવાડિયાંમાં ફાઇલ કરવાનો રહેશે. કોર્ટના નિર્ણયની ઘણી પ્રાણી કલ્યાણ સંસ્થાઓએ ટીકા કરી હતી.

પ્રાણી અધિકાર સંગઠન PETA ઇન્ડિયાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે કોર્ટનો નિર્ણય જમીની વાસ્તવિકતાઓ સાથે જોડાયેલ નથી. પેટાએ જણાવ્યું હતું કે દેશભરમાં પાંચ કરોડથી વધુ રખડતાં કૂતરાં અને ૫૦ લાખથી વધુ પશુઓ છે. તેમને રાખવા માટે પૂરતાં આશ્રયસ્થાનો નથી. ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ મેનકા ગાંધીએ ન્યૂઝ એજન્સી એનઆઈને જણાવ્યું હતું કે કોર્ટનો નવો નિર્ણય પાછલા ચુકાદાની સમસ્યાઓનું નિરાકરણ લાવશે, જેને પછીથી કોર્ટે ઉલટાવી દીધો હતો. તેમણે કહ્યું કે તેઓ આ નિર્ણયને કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું કે જો રેલવે સ્ટેશનો, શાળાઓ અને કોલેજોમાંથી કૂતરાંઓને દૂર કરી શકાયાં હોત, તો તે થઈ ગયું હોત.

જો તેમને દૂર કરવામાં આવશે તો આ પ્રાણીઓ ક્યાં જશે? તેમના મતે કૂતરાંઓને તેમનાં રહેઠાણમાંથી દૂર કરીને રસ્તા પર લાવવાથી નાગરિકો માટે જોખમ વધશે. ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેમની પાસે કેટલાં આશ્રયસ્થાનો છે અને તેમણે કેટલાં રખડતાં કૂતરાંઓની નસબંધી અને રસીકરણ કર્યું છે.

દિલ્હીમાં ૨૦ પશુજન્મનિયંત્રણ કેન્દ્રો છે. આ કેન્દ્રો પશુજન્મ નિયંત્રણ કાયદા હેઠળ સ્થાપિત કરવામાં આવ્યાં છે. છેલ્લા છ મહિનામાં, દરેક કેન્દ્રે દરરોજ ૧૫ રખડતાં કૂતરાંઓનું નસબંધી અને રસીકરણ કર્યું છે. મહારાષ્ટ્રમાં આવાં સૌથી વધુ પશુજન્મનિયંત્રણ કેન્દ્રો છે, જે રાજ્યભરમાં ૨૩૬ છે. ઉત્તર પ્રદેશમાં ૧૭ શહેરોમાં આવાં કેન્દ્રો છે, જ્યારે બિહારમાં કોઈ નથી, પરંતુ કૂતરાંઓ માટે ૧૬ સ્થળો છે. આ કેસમાં સામેલ પ્રાણી અધિકાર કાર્યકર્તા ગૌરી મૌલેખીએ પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે આ નિર્ણય પ્રાણીપ્રેમીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે સંઘર્ષ વધારશે, જેમને પ્રાણીઓને દૂર કરવાની ફરજ પાડવામાં આવે છે.

ઘણી શાળાઓ અને કોલેજો પણ રખડતાં કૂતરાંઓને રાખે છે. આ વર્ષના જૂનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પશુ સંભાળ મંડળીઓ બનાવવાનો આદેશ આપ્યો હતો. આ સંસ્થાઓએ પશુઓના ખોરાક માટે પણ જગ્યાઓ બનાવવી જોઈએ. જો કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આવી સંસ્થાઓમાંથી કૂતરાંઓને દૂર કરવામાં આવશે કે તેમને રહેવા દેવામાં આવશે તે સ્પષ્ટ નથી. સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ જીવદયાની ભાવનાનો ભંગ કરનારો હોવાનું કહેવાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top