હમણાં હમણાં લોકડાયરાનું ચલણ ખૂબ વધી ગયું છે. સરકાર પણ જાતજાતના મેળાઓ યોજે છે અને એમાં લોક કલાકારોને પ્રોત્સાહિત કરે છે. આવા ડાયરાઓ થાય એ મનોરંજન અને લોકસંસ્કૃતિના વારસાની રીતે બરાબર છે, પરંતુ આ ડાયરાઓમાં એક દૃશ્ય મને મારી આંખને હંમેશા ખૂંચે છે એ છે જ્યારે કોઈ કલાકાર, ખાસ કરીને ડાયરાના કલાકાર પ્રસ્તુતિ કરતા હોય ત્યારે પ્રેક્ષકોમાંથી કેટલાક લોકો એમને વધાવવા માટે એમના પર ચલણી નોટોનો વરસાદ વરસાવે છે, આ નોટો આખા સ્ટેજ પર વેરણછેરણ પડી પથરાય જાય છે, કેટલીક નોટો તો સ્ટેજની નીચે પણ પડે અને ત્યાં લોકોના પગની નીચે પણ આવે છે. ઉત્સાહથી કલાકારને બિરદાવવું એ સારી વાત છે, પરંતુ આવી રીતે રાષ્ટ્રીય ચલણને ફેંકવું એ યોગ્ય નથી જણાતું.
જે ચલણી નોટોને સનાતનીઓ ધનતેરસના દિવસે ભક્તિભાવથી લક્ષ્મી સ્વરૂપે પૂજાથાળમાં રાખી પૂજતા હોય એ જ ચલણી નોટોની આવી રીતે ઉછામણી થાય તે કેટલું યોગ્ય છે? આ રીતે ચલણી નોટોને જાહેરમાં ઉછાળવી એ લક્ષ્મીમાતાનું અને રાષ્ટ્રીય ચલણનું અપમાન હોય એવું નથી લાગતું?
કીમ, સુરત– પ્રકાશ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વનવાસી વિસ્તારમાં નવીન અનુભવ
વર્તમાનમાં વ્યારા જીલ્લાના મગરકૂઇ અને બંગારપાડાના બે આદિવાસી વિસ્તારમાં જવાનું થયુ. 26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસ નિમિતે પરંપરાગત ધ્વજવંદન, અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થવા એક સ્વભાવિક વાત છે. પરંતુ અંતરીયાળ વિસ્તાર, બંગારપાડામાં હવનનું પણ આયોજન કરેલુ એ આશ્ચર્યજનક હતું. એનાથી પણ વધુ નવાઇ એ હવન કરાવનાર શુકલજીના સ્પષ્ટ અને ઉચ્ચ સ્વર સાંભળીને લાગી. એ તો ઠીક પણ ‘વરૂણી’ માં બેઠેલા ગોરબાપા પણ એ શુકલજીના સમકક્ષ જ હતા. પરંતુ જે અનુભવે ચર્ચાપત્ર લખવાની પ્રેરણા મળી એ એ હતી કે માતાજીની આરતી ઉતારવા અમને મહેમાનોને તો તક આપી જ. પરંતુ શાળાના નાના વિદ્યાર્થીઓને પણ માતાજીની આરતી ઉતારવા માટે બોલાવેલા. શું નવરાત્રી, ગણેશ ઉત્સવ જેવા સામાજિક કાર્યક્રમોમાં નાના નાના ભૂલકાઓને આવી તક આપણે પણ આપીએ તો? અસ્તુ.
પાલણપોર, સુરત – ચેતન સુશીલ જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.