શહેરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ત્રિપલ અકસ્માત
: ગોધરા | તા. 28
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં હાઈવે રોડ ઉપર માર્ગની બંને બાજુ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન શહેરામાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાતા થોડી ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ હતી.
દબાણ હટાવવાની કાર્યવાહી કારણે વૈદનાથ ચોકડીથી અણીયાદ ચોકડી વચ્ચે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમિયાન ગુજરાત એસટીની ભિલોડા તરફ જતી બસ માર્ગ પર ઉભી હતી અને તેની પાછળ એક અલ્ટો કાર પણ ઉભેલી હતી. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા લોડિંગ ડમ્પરના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા અલ્ટો કારને જોરદાર ટક્કર મારી હતી.
ડમ્પરની ટક્કરથી અલ્ટો કાર આગળ ઉભેલી એસટી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે કારનો કુરચો બોલી ગયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
અકસ્માતની જાણ થતાં જ શહેરા પોલીસ તથા નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બે જેસીબી મશીનોની મદદથી બસ પાછળ ફસાઈ ગયેલી અલ્ટો કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસુચારુ બનાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માતો અટકાવવા માટે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, પરંતુ એ જ કામગીરી દરમિયાન થયેલા આ અકસ્માતે લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી.
રિપોર્ટર: આશિષ બારીયા