સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા આરએમઓ ડો હેમંત ભગવાકર અને આરોગ્ય નિરીક્ષક સામે સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળને લેખિતમાં ફરિયાદ કરીને તેમની સામે કર્મચારીઓ સાથે અણછાજતું અને અપમાનિત કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવતા હોસ્પિટલ વર્તુળમાં હોબાળો મચી જવા પામ્યો છે.
વર્ગ -4 ના કર્મચારીઓને સંબોધીને કરવામાં આવેલી આ ફરિયાદ બાદ યુનિયન દ્વરા આરએમઓ અને આરોગ્ય નિરીક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરી સેનિટેશન વિભાગમાંથી અન્ય જગ્યાએ બદલી કરવામાં આવે તેવી માંગ કરી હોસ્પિટલમાં આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સુરત સુધરાઈ કામદાર ( સ્ટાફ) મંડળને સ્મીમેર હોસ્પિટલ ખાતે વર્ગ-4 ના કર્મચારી તરીકે ફરજ બજાવતા સફાઈ કામદાર, વોર્ડબોય આને આવા બહેનોને સંબોધીને ફરિયાદ કરવામાં આવી છે કે આ કર્મચારીઓ જુદી જુદી પાળીઓમાં ફરજ બજાવે છે અને બાયોમેટ્રિક સિસ્ટમથી પોતાની હાજરી પૂરે છે તેમજ પોતાનો હાજરી કાર્ડ ઓફિસમાં રજુ કરે છે.
હાલમાં સેનિટેશન વિભાગની કામગીરી સંભાળતા આરએમઓ ડો.હેમંત ભગવાકર તથા આરોગ્ય નિરીક્ષક મહેશ ખામકર અહીં ફરજ બજાવતા વર્ગ-4 ના કર્મચારીઓ સાથે ખુબજ અણછાજતું, અપમાનિત કરતું વર્તન જાહેરમાં કરે છે. કર્મચારીઓની હાજરીમાં ખુબ જ ખરાબ ભાષામાં અપમાનિત કરતા હોવાના અનેકો બનાવ બનેલ છે જેને કારણે આ કર્મચારીઓમાં નિરાશાજનક વાતાવરણ ઊભું થયું છે.
ઘણી મહિલા કર્મચારીઓ તેમજ અનુસુચિત જાતિના કર્મચારીઓને ખાસ ધ્યાને રાખીને ટાર્ગેટ કરી તેઓનું અવાર -નવાર જાહેરમાં આ બંને અધિકારીઓ દ્વારા અપમાન કરવામાં આવે છે તેમજ બે અર્થ થાય તેવા શબ્દો જાહેરમાં મહિલાને બોલવામાં આવે છે, જેને કારણે મહિલા કર્મચારીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. આવા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે.
જોકે આ ફરિયાદ બાદ હોસ્પિટલ વર્તુળમાં હોબાળો મચી ગયો છે તેમજ આ મુદ્દે તરેહતરેહની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જ્યારે આ ફરિયાદ બાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચોક્કસ કર્મચારીઓ જેમને નિયમોનું પાલન નથી કરવું, આરએમઓ સહિતના અધિકારીઓ સામે દાદાગીરી કરવી છે, અધિકારીઓ દ્વારા નિયમોનું પાલન કરવા કહેવામાં આવતું હોય ત્યારે આ ચોક્કસ કર્મચારીઓ દ્વરા જ આ પ્રકારની ઉપજાવી કાઢેલી ફરિયાદો કરવામાં આવે છે.
ઉપજાવી કાઢેલી ફરિયાદો છે
આ મામલે ખુલાસો કરતા આરએમઓ ડો.હેમંત ભગવાકરે જણાવ્યું હતું કે હોસ્પિટલની અંદર 7૦૦ કમર્ચારીઓ કામ કરે છે, કોઈને પણ કોઈ ફરિયાદ કે પ્રશ્ન નથી, એમએલસી કાઉટરથી લઈને જુદા જુદા વોર્ડમાં ફરજ બજાવતા મેક્ઝીમમ કર્મચારીઓ યુનિફોર્મ પહેરે છે. નિયમોનું પાલન કરે છે. પરંતુ જે અમુક લોકો છે કે જેમને યુનિકોર્મ નથી પહેરવો, નિયમોનું પાલન નથી કરવું અને તેમને યુનિફોર્મ પહેરવા અંગે કહેવામાં આવે ત્યારે આવા અમુક કર્મચારીઓ આ રીતે ઉપજાવી કાઢેલી ફરિયાદો કરે છે.
જે લોકો નોટોરીયસ છે તેમના દ્વારા આ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. બીજી વાત કે હું કોઈ પણ કર્મચારી હોય તેમણે ભાઈ-બહેનથી જ સંબોધીને વાત કરી સમજાવવામાં આવે છે. કોઈની પણ સાથે કોઈ પ્રકારની બદસલુકી નથી કરવામાં આવતી. કોઈને બળજબરી કરવામાં નથી આવતતી. ફક્ત જે નિયત કરેલા યુનિફોર્મ છે તે પહેરવા અને નિયમોનું પાલન કરવાનું કહેવામ આવે છે .
ચોક્કસ કર્મચારીઓની યુનિયનના નામે હોસ્પિટલમાં દાદાગીરી
આરએમઓ અને આરોગ્ય નિરીક્ષક સામે કરાયેલી ફરિયાદ બાદ હોસ્પીટલ વર્તુળમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે છે કે યુનિયનના નામે આવા અમુક ચોક્કસ કર્મચારીઓ હોસ્પીટલમાં દાદાગીરી કરતા હોય છે, એટલુ જ નહી આવા ચોક્કસ કર્મચારીઓ હોસ્પીટલમાં માત્ર દેખાડા પુરતા આવતા હોય છે, બાકી તેઓ હોસ્પિટલમાં બેસીને યુનિયના કેલેન્ડર વહેંચવા સહિતના કેટલાક કામો કરતા હોય છે.
આવા ચોક્કસ કર્મચારીઓ અવારનવાર આરએમઓ એસઆઈ સહિતના અધિકારીઓ દ્વારા યુનિફોર્મ પહેરવાનું કહેવામાં આવે કે નિયમોનું પાલન કરવાનું કહેવામ આવે ત્યારે આ ચોક્કસ કર્મચારીઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી અને જયારે તેમને કોઈ ઉપરી અધિકારી નિયમોથી સંબંધિત આદેશો કરતા હોય કે કડક રહેતા હોય ત્યારે આ ચોક્કસ કર્મચારીઓ અધિકારીઓ સામે આ રીતે યુનિયનમાં ફરિયાદ કરતા હોય છે.