સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી સેવાઓના ટેન્ડરને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી ટેન્ડરમાં અત્યંત કડક અને ફરજીયાત શરતો લાગુ કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે નજીકના, વળગતા અને ઓળખીતાઓને લાભ પહોંચાડવાના હેતુથી મહત્વની તમામ શરતોને કાઢી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ સાથે ટેન્ડરની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
- NSUI અને સુરત યુથ કોંગ્રેસ દ્વારા નિષ્પક્ષ તપાસ અને ટેન્ડર રદ કરવાની માંગ
યુનિવર્સિટીમાં નિયમ મુજબ કુલ ૭૬ સિક્યુરિટી ગાર્ડ, ૩ સુપરવાઇઝર અને ૩ ગનમેન (વેલિડ લાઇસન્સ સાથે) ફરજ પર હોવા આવશ્યક છે. સુપરવાઇઝર એક્સ-સર્વિસમેન અને ગ્રેજ્યુએટ હોવાની સ્પષ્ટ શરત છે. પરંતુ હાલ જે નવી એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે, તેમની પાસે ૫૦ ટકા જેટલા ગાર્ડ પણ હાજર નથી, જે યુનિવર્સિટીની સલામતી માટે ગંભીર જોખમરૂપ છે.
નિયમ અનુસાર દરેક સિક્યુરિટી ગાર્ડ પાસે PSARA સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન, LC સર્ટિફિકેટ, આધારકાર્ડ અને બેંક વિગતો ફરજીયાત હોવી જોઈએ. આ દસ્તાવેજો વિના કોઈ પણ ગાર્ડને ફરજ પર મુકવાનો કાયદેસર અધિકાર નથી. તેમ છતાં આ શરતોનું પાલન ન થયું હોવા છતાં આશ્ચર્યજનક રીતે ટેન્ડર ફાળવવામાં આવ્યો છે.

અગાઉના ટેન્ડરમાં યુનિવર્સિટીનો અનુભવ ધરાવતી એજન્સી હોવી, સુરતનું ગુમાસ્તાધારા લાઇસન્સ, ૨૫૦ માણસોનું લેબર લાઇસન્સ, એજન્સીના માલિક પાસે ગન લાઇસન્સ તેમજ માલિક અથવા મેનેજર નિવૃત્ત આર્મીમેન હોવો જેવી પાંચ અત્યંત મહત્વપૂર્ણ શરતો ફરજીયાત હતી. આ તમામ શરતોને નવા ટેન્ડરમાંથી દૂર કરી દેવામાં આવી છે, જે પૂર્વનિયોજિત ગોઠવણ અને ભ્રષ્ટાચાર તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
આ ઉપરાંત, ગર્લ્સ હોસ્ટેલ જેવી અતિ સંવેદનશીલ જગ્યા બહાર છેલ્લા ચાર દિવસથી એકપણ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હોવાની બાબત સામે આવી છે. યુનિવર્સિટી જેવી સંસ્થામાં જો કોઈ અનહોની ઘટના ઘટે તો તેની જવાબદારી કોની રહેશે — કુલપતિ, રજીસ્ટ્રાર કે ટેન્ડર કમિટીની?
આ સમગ્ર મામલે સુરત શહેર NSUI અને સુરત યુથ કોંગ્રેસ દ્વારા તાત્કાલિક નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ વિવાદાસ્પદ સિક્યુરિટી ટેન્ડર તાત્કાલિક રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ અંગે મેહુલ રાયકા ની આગેવાની હેઠળ કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.