છોટાઉદેપુરના ૨૭ વર્ષીય આશાસ્પદ યુવાન જશપાલસિંહ રાઠવાનું શ્વાસ ચડવાને કારણે ગ્રાઉન્ડ પર જ ઢળી પડતા નિધન થયું
પ્રતિનિધિ ગોધરા તા.23
રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે ગોધરાના એસ.આર.પી. ગ્રુપ-૫ મેદાનમાં એક અત્યંત દુઃખદ ઘટના બની . અહીં રનિંગ ટેસ્ટ આપી રહેલા છોટાઉદેપુરના ૨૭ વર્ષીય આશાસ્પદ યુવાન જશપાલસિંહ રાઠવાનું શ્વાસ ચડવાને કારણે ગ્રાઉન્ડ પર જ ઢળી પડતા નિધન થયું છે. હૃદયદ્રાવક બાબત એ છે કે, પુત્રને પોલીસ વર્દીમાં જોવાની ઈચ્છા સાથે આવેલા પિતાની નજર સામે જ પુત્રએ અંતિમ શ્વાસ લીધા હતા. સારવાર મળે તે પહેલાં જ યુવાનનું મોત થતા ભરતી સ્થળ પર શોકનું મોજું ફરી વળ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કોલીયારી ગામના વતની જશપાલસિંહ દશરથભાઈ રાઠવા (ઉ.વ. ૨૭) પોલીસ બનવાનું સપનું લઈને પિતા સાથે ગોધરા આવ્યા હતા. સવારે જ્યારે તેઓ મેદાનમાં દોડ લગાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. મૃતકના પિતા દશરથભાઈ રાઠવાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, તેઓ અને તેમનો દીકરો ખૂબ જ ઉત્સાહથી આ ભરતીમાં ભાગ લેવા આવ્યા હતા. તેમની ઈચ્છા હતી કે દીકરો પોલીસ બની દેશની સેવા કરે, પરંતુ રનિંગ દરમિયાન જ કાળ ત્રાટક્યો હતો.

ઘટનાની ગંભીરતાને પગલે ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યભરમાં PSI અને કોન્સ્ટેબલની ૧૩,૫૯૧ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે, જેમાં લાખો ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે ત્યારે આ આકસ્મિક ઘટનાએ તંત્ર અને ઉમેદવારોમાં ચિંતા જગાવી છે.
રિપોર્ટર: આશિષ બારીયા