Columns

ચીનની ઘટી રહેલી વસતીને રાષ્ટ્રીય સંકટ માનવામાં આવે છે

અર્થશાસ્ત્રનાં તમામ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે કે કોઈ પણ દેશની વસ્તી વધે છે તેમ તેની સમૃદ્ધિ ઘટે છે પણ હકીકત તેનાથી તદ્દન ઊંધી છે. દેશની વધતી વસતી દેશની મૂડી છે. જેમ જેમ વસતી વધે છે, તેમ તેમ સમૃદ્ધિ પણ વધે છે, કારણ કે કામ કરનારા હાથ વધે છે. આ હકીકત સમજ્યા વિના વસતીઘટાડાનો કાર્યક્રમ અમલમાં મૂકનાર ચીન હવે પસ્તાઈ રહ્યું છે. ચીનની વસતીમાં સતત ચોથા વર્ષે ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે તેમ સરકારની ચિંતા પણ વધી રહી છે. ચીનમાં વસતી ઘટાડવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં એક પરિવાર દીઠ એક બાળકની નીતિનો બળજબરીથી અમલ કરાવવામાં આવ્યો હતો.

તેને કારણે વસતીમાં એટલો બધો ઘટાડો થયો કે ચીનનો વિકાસ ધીમો પડી ગયો હતો. ૨૦૧૬ માં એક પરિવાર દીઠ એક બાળકની નીતિ નાબૂદ કરવામાં આવી હતી, છતાં વસતીમાં વધારો થયો નથી. આ નિર્ણય જન્મદર વધારવાના પ્રયાસમાં લેવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તે સતત વધારો કરવામાં નિષ્ફળ ગયો ત્યારે ૨૦૨૧ માં ત્રણ બાળકો સુધીની પરવાનગી લંબાવવામાં આવી હતી. ચીનની સરકાર જન્મદર વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે, પરંતુ બધા પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.

સરકાર જન્મદર વધારવા માટે વિવિધ સહાય અને સુવિધાઓ પૂરી પાડી રહી છે તેમ છતાં આ સતત ચોથું વર્ષ છે, જેમાં જન્મદરમાં ઘટાડો થયો છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે ચીનનો જન્મ દર હવે પ્રતિ ૧,૦૦૦ લોકો દીઠ માત્ર ૫.૬૩ પર આવી ગયો છે. ૧૯૪૯માં કોમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં આવી ત્યારથી આ સૌથી ઓછો જન્મદર છે. દરમિયાન ચીનમાં મૃત્યુદર વધીને પ્રતિ ૧૦૦૦ લોકો દીઠ ૮.૦૪ થયો છે, જે ૧૯૬૮ પછી સૌથી વધુ છે. ૨૦૨૫ ના અંત સુધીમાં ચીનની વસતી ૩૩.૯ લાખ ઘટીને ૧.૪ અબજ થવાનો અંદાજ છે. આ ઘટાડો ગયા વર્ષ કરતાં વધારે છે. વૃદ્ધોની વધતી સંખ્યા અને ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થાને કારણે ચીનની સરકાર યુવાનોને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

ચીનમાં વિશ્વમાં સૌથી ઓછો જન્મદર છે, જ્યારે દક્ષિણ કોરિયા, સિંગાપોર અને તાઇવાનમાં પણ જન્મદર ઓછો છે. તાજેતરમાં સરકારે ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં દરેક બાળકનાં માતાપિતાને ૩,૬૦૦ યુઆન (ભારતીય ચલણમાં આશરે ૪૭,૦૦૦ રૂપિયા) સબસિડીની જાહેરાત કરી છે. કેટલાક પ્રાંતો વધારાના ભંડોળ અને વિસ્તૃત પ્રસૂતિ રજા પણ આપી રહ્યા છે. જન્મદર વધારવાના ચીન સરકારના કેટલાક નિર્ણયો પણ વિવાદાસ્પદ રહ્યા છે. કોન્ડોમ, જન્મ નિયંત્રણ ગોળીઓ અને અન્ય ઉત્પાદનો પર ૧૩ ટકાનો નવો કર લાદવામાં આવ્યો છે, જેનાથી ચિંતા વધી છે કે આનાથી અનિચ્છનીય ગર્ભાવસ્થા અને HIV માં વધારો થઈ શકે છે.

૨૦૨૨થી ચીનની વસતી સતત ઘટી રહી છે અને દેશ ઝડપથી વૃદ્ધ થઈ રહ્યો છે. ચીનની કુલ વસતીના આશરે ૨૩ ટકા લોકો હવે ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં છે. એવો અંદાજ છે કે ૨૦૩૫ સુધીમાં આ સંખ્યા ૪૦ કરોડ સુધી પહોંચી જશે, જે અમેરિકા અને ઇટાલીની સંયુક્ત વસતી જેટલી છે. આ પરિસ્થિતિ ચીનના અર્થતંત્ર પર પણ અસર કરી રહી છે. મોટી સંખ્યામાં લોકો કાર્યબળ છોડી રહ્યા છે, જ્યારે પેન્શન અને સામાજિક સુરક્ષા બજેટ પર દબાણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે ચીને નિવૃત્તિવય વધારવાનો નિર્ણય લીધો છે. હવે પુરુષોએ ૬૩ વર્ષ સુધી અને સ્ત્રીઓએ ૫૮ વર્ષ સુધી કામ કરવું પડશે. જો કે, સરકારને આશા છે કે લગ્નનોંધણીના નિયમો હળવા કરવાથી અને પ્રોત્સાહક યોજનાઓના અમલથી ભવિષ્યમાં જન્મદરમાં થોડી રાહત મળી શકે છે. 

બેઇજિંગ યુથ પોપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલમાં જણાવાયું છે કે બાળકોના ઉછેરમાં ચીન સૌથી મોંઘા દેશોમાંનો એક છે. જો કે, ફુગાવો અને પૈસાનો અભાવ એ બાળકો ન હોવાનાં એકમાત્ર કારણો નથી. કેટલાંક ચીની લોકોએ જણાવ્યું હતું કે પૈસા ઉપરાંત અન્ય કારણો પણ છે, જેમ કે ચિંતાઓ કે જવાબદારીઓ વિના સ્વતંત્ર જીવન જીવવાની ઇચ્છા. બેઇજિંગના એક રહેવાસીએ જણાવ્યું હતું કે મારા મિત્રોમાંથી બહુ ઓછાને બાળકો છે. જેઓ બાળકો ધરાવે છે તેઓ શ્રેષ્ઠ બેબીસીટર શોધવા અથવા તેમને શ્રેષ્ઠ શાળામાં મૂકવાની ચિંતા કરે છે.

તેના વિશે સાંભળવું જ કંટાળાજનક છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતો માને છે કે ચીનની વસતીમાં ઘટાડો થતો રહેશે. તેમનો અંદાજ છે કે વર્ષ ૨૧૦૦ સુધીમાં દેશની વસતી અડધાથી વધુ ઘટી જશે. વસતીમાં આ ઘટાડો વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. કાર્યકારી વસતી ઘટી રહી છે અને ગ્રાહક-ભાવના નબળી પડી રહી છે. ઘણાં યુવાનો તેમનાં માતાપિતાથી દૂર રહે છે, જેના કારણે વૃદ્ધો એકલાં પડી જાય છે કે સરકારી ભંડોળ પર નિર્ભર રહે છે. સરકારી સંસ્થા ચાઇનીઝ એકેડેમી ઓફ સોશ્યલ સાયન્સિસ અનુસાર વૃદ્ધો માટે પેન્શન ફંડ ખતમ થવાના આરે છે.

ચીન માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે માત્ર એક વર્ષમાં જન્મની સંખ્યામાં લગભગ ૧૭ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૫ માં જન્મની સંખ્યા પાછલા વર્ષ કરતાં લગભગ ૧૬.૨ લાખ ઓછી હતી. નિષ્ણાતો માને છે કે આ ઘટાડો ફક્ત કામચલાઉ નથી, પરંતુ ઊંડા વસતી વિષયક સંકટ તરફ નિર્દેશ કરે છે. જન્મદરમાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ ચીનમાં લગ્નોમાં ઘટાડો છે. લગ્નદર તેમના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે અને મોડાં લગ્ન અથવા બિલકુલ લગ્ન ન કરવાનું વલણ વધી રહ્યું છે, જેની સીધી અસર બાળકોની સંખ્યા પર પડી રહી છે.

આ પ્રયાસો છતાં ૨૦૨૩માં ચીન વિશ્વના સૌથી ઓછા જન્મદર ધરાવતા ટોચના ૧૦ દેશોમાં રહ્યું હતું. વિશ્વ બેંકના ડેટા અનુસાર આ યાદીમાં ચીન જાપાનથી પાછળ છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે માત્ર આર્થિક ઉત્તેજનાથી આ સમસ્યા હલ થશે નહીં. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે જો આ વલણ ચાલુ રહેશે તો વર્ષ ૨૧૦૦ સુધીમાં ચીનની વસતી ઘટીને લગભગ ૮૦ કરોડની થઈ શકે છે. આની સીધી અસર દેશના આર્થિક વિકાસ, કાર્યબળ અને વૈશ્વિક શક્તિ પર પડશે. નિષ્ણાતો માને છે કે આ કટોકટી ફક્ત ચીનની વસતીની જ નહીં, પરંતુ તેના સમગ્ર વિકાસ મોડેલની પણ કસોટી છે.

ચીનમાં પુત્રો પ્રત્યેની પસંદગીને કારણે તાજેતરના દાયકાઓમાં સ્ત્રી ભૃણહત્યાના કિસ્સાઓ બન્યા છે, જેના કારણે લિંગ ગુણોત્તરમાં ઘટાડો થયો છે. જો કે તાજેતરનાં વર્ષોમાં આ ગુણોત્તર ૧૦૦ છોકરીઓએ ૧૦૪ છોકરાઓ પર સ્થિર થયો છે, તેમ છતાં બાળજન્મની ઉંમરની સ્ત્રીઓની નોંધપાત્ર અછત હજુ પણ છે. ચીનની સરકારે જન્મદર વધારવા માટે અનેક પગલાં લીધાં છે.

૧ જાન્યુઆરીથી લાગુ કરાયેલી નવી નીતિ હેઠળ, પરિવારોને ત્રણ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક માટે વાર્ષિક આશરે ૫૦૦ ડોલરની સબસિડી મળી રહી છે. જાહેર કિન્ડરગાર્ટન ફી પહેલાંથી જ માફ કરવામાં આવી છે. સરકારે કોન્ડોમ અને અન્ય ગર્ભનિરોધક પર ૧૩ ટકા વેટ પણ લાદ્યો છે, જે અગાઉ કરમુક્ત હતાં. ધ્યેય સ્પષ્ટ છે કે લોકોને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાં. આમ છતાં, પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતો હોય તેવું લાગતું નથી. આની પાછળ ઘણાં સામાજિક અને આર્થિક કારણો છે. ચીનમાં બાળકોનો ઉછેર અત્યંત ખર્ચાળ બન્યો છે. શિક્ષણ, આરોગ્ય અને જીવનનિર્વાહનો ખર્ચ સતત વધી રહ્યો છે.

યુવાનોને કારકિર્દીના નોંધપાત્ર દબાણનો સામનો કરવો પડે છે. અનિશ્ચિત નોકરીની સંભાવનાઓ યુવાન યુગલોને તેમના પરિવારનો વિસ્તાર કરવામાં અનિચ્છા બનાવે છે. ચીનનું ૪-૨-૧ કૌટુંબિક માળખું પણ તેના માટે જવાબદાર મનાય છે. તેમાં પતિ અને પત્ની બંને એકલાં બાળકો છે અને તેમના પર ચાર વૃદ્ધ માતાપિતાની જવાબદારી આવી ગઈ છે. આ પરિસ્થિતિ બાળકો પેદા કરવાનો નિર્ણય વધુ મુશ્કેલ બનાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top