નવસારી : ઉભરાટ-મરોલી રોડ પર પાણીવાળા ઘાસમાંથી મહારાષ્ટ્રના યુવાનની લાશ મળી હોવાના બનાવમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં પત્નીએ જ તેના પ્રેમી, પ્રેમીના ભાણીયા અને અન્ય એક શખ્સ સાથે મળી પતિને ગળાના ભાગે ચપ્પુ અને માથાના ભાગે લાકડાના ફટકા મારી માથુ પાણીમાં ડુબાડી રાખી મોતને ઘાત ઉતારી દીધો હતો. ત્યાર બાદ પતિની લાશ ઉભરાટ-મરોલી રોડ પર પાણીમાં નાંખી ઘાસથી ઢાંકી દીધી હતી.
બનાવની વિગત એવી છે કે, બે દિવસ અગાઉ જલાલપોર તાલુકાના ઉભરાટ-મરોલી રોડ ઉભરાટ ગામની સીમમાં સાંઇભુમી તરફ જતા કાચારોડની બાજુમાં આવેલી પાણીવાળા ઘાસમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જેના શર્ટના ખિસ્સામાં ચેક કરતા 120 રૂપિયા રોકડા, આઇડી કાર્ડ જોતા તેમાં મહારાષ્ટ્ર પાલધર શિગાવ બોઇસર ઇસ્ટ, રાણી શિવગાવ રોડ પર રામચંદ્રનગરમાં પ્રમોદ બીરજા સિંહ (ઉ. વ. 38) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકની પત્ની પ્રીતિબેનની પુછપરછ હાથ ધરી હતી. જેમાં પ્રથમ તો પ્રીતિએ પોલીસને ગુમરાહ કરવા અલગ-અલગ વાર્તાઓ કરી હતી.
જોકે પોલીસે કડકાઇથી પુછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં પ્રીતિનું બિહારના ભોજપુર જિલ્લાના ઉદવતનગર કારીસાથગામે રહેતા વિનોદ ઉર્ફે મુન્નો મહેશસિંગ સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતે પતિ પ્રમોદ સાથે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડાઓ થતા હતા. જેથી પ્રીતિએ પ્રમોદને છુટાછેડા લેવા માટે જણાવ્યું હતું. પરંતુ પ્રમોદ પ્રીતિને છુટાછેડા આપતો ન હોવાથી પ્રીતિએ તેના પ્રેમી વિનોદ અને વિનોદે તેના ભાણીયા અનિકેત અને અનિકેતનો મિત્ર ચંદ્રભુષણ ઉર્ફે બજરંગી સાથે મળી હત્યા કરવાનું કાવતરૂ ઘડ્યું હતું. આ બાબતે પોલીસે મૃતકના ભાઇ કમલેશભાઇની ફરિયાદને આધારે ચારેય શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પી.આઇ. એસ.એમ. સગરે હાથ ધરી હતી.
નવસારી : પહેલા પ્રીતિએ તેના પતિ પ્રમોદને શોપીંગ કરવા સુરત લઇ આવી હતી. જ્યાં પ્રેમી વિનોદનો ભાણીયો અને સુરતના પાલીગામે રહેતો અનિકેત ઉર્ફે વીકી જે રિક્ષા ચલાવે છે તેને પ્રમોદનો ફોટો મોકલી આપી તેને બેસાડવા માટે જણાવ્યું હતું. જેથી પ્રીતિએ સુરતથી ઉભરાટ ફરવા જવા જણાવ્યું હતું. જેથી પ્રમોદે અન્ય રિક્ષા ચાલકોને ઉભરાટ જવા માટે રિક્ષા ભાડુ પુછ્યું હતું. પરંતુ પ્રમોદને ભાડુ વધારે લાગ્યું હતુ. જેથી પ્રમોદ અન્ય કોઇ રિક્ષામાં બેઠા ન હતા. દરમિયાન અનિકેત રિક્ષા લઇ પ્રમોદ પાસે જઇ ઉભો રહ્યો હતો અને તેણે ઉભરાટ જવા માટે 200 રૂપિયા ભાડુ આપવા જણાવતા પ્રમોદ અનિકેતની રિક્ષામાં બેસી ગયો હતો. અને ત્યાંથી ઉભરાટ-મરોલી રોડ પર આવેલા પાણીવાળા ઘાસમાં લઇ ગયા હતા. જ્યાં તેઓએ ઉભરાટ-મરોલી રોડ પર ઉભરાટ ગામની સીમમાં સાંઇભુમી તરફ જતા કાચારોડની બાજુમાં આવેલા પાણીવાળા ઘાસમાં લાવી અનિકેતે ઉર્ફે વીકીએ પ્રમોદના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જેથી પ્રમોદ અને પ્રીતિ નીચે પાણીમાં પડી જતા પ્રમોદ તરફડીયા મારતો હતો. જેથી પ્રીતિએ બાજુમાં પડેલુ લાકડુ ઉંચકી પ્રમોદના માથામાં ફટકા મારી પ્રીતિ અને ચંદ્રભુષણ ઉર્ફે બજરંગીએ પ્રમોદનું માથુ પકડી પાણીમાં ડુબાડી રાખતા પ્રમોદનું મોત નીપજ્યું હતું. લાશને છુપાવવા માટે તેના ઉપર ઘાસ નાંખી દીધું હતું.
નવસારી : પતિની હત્યાના ગુનામાં નવસારી એલ.સી.બી. પોલીસે પત્ની, પત્નીના પ્રેમીનો ભાણીયો અને તેના મિત્રની ધરપકડ કરી છે. જ્યારે પત્નીના પ્રેમીને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે મૃતકની પત્ની પ્રીતિબેનની પુછપરછ કરતા તેણીએ તેના પ્રેમી વિનોદ ઉર્ફે મુન્નો, વિનોદનો ભાણીયો અનિકેત ઉર્ફે વીકી અને અનિકેતનો મિત્ર ચંદ્રભુષણ ઉર્ફે બજરંગી સાથે મળી પ્રમોદની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ અનિકેત અને ચંદ્રભુષણ સચીન વિસ્તારમાં રહેતા હોવાનું તેમજ તેમની રિક્ષા ઉપર હિન્દીમાં હંશ વાહિની તથા પાછળ રાધે રાધે લખ્યુ હોવાનું જણાવતા પોલીસે ટેક્નિકલ સોર્સ તથા સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે સુરત ચોર્યાસી તાલુકાના સચીન પાલીગામ ભુપત રો હાઉસમાં રહેતા અનિકેત ઉર્ફે વિકી સર્વેશ્વરસિંહ ભોલાસિંહ રાજપુત અને ચંદ્રભુષણ ઉર્ફે બજરંગી છેતેશ્વર પરમેશ્વરસિંહ રાજપુતને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે ગુનામાં વપરાયેલી રિક્ષા (નં. જીજે-05-સીટી-4660) કબ્જે કરી હતી. પોલીસે પ્રીતિબેન, અનિકેત અને ચંદ્રભુષણની ધરપકડ કરી છે. જ્યારે બિહાર ભોજપુર જિલ્લાના ઉદવતનગર કારીસાથ ગામે રહેતો વિનોદ ઉર્ફે મુન્નો મહેશસિંગને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 2500 રૂપિયાના 3 મોબાઇલ, 3500 રૂપિયા રોકડા અને 1 લાખની રિક્ષા મળી કુલ્લે 1.08 લાખનો મુદ્રૃામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.