શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના ‘માર્ગદર્શન’થી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વંચિત
સાવલી:;સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલી શ્રી મુકુટ રામજી વિદ્યામંદિર જી.આઈ.ડી.સી. સરકારી માધ્યમિક શાળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની નિર્ધારિત મુલાકાત અનિવાર્ય સંજોગોના પગલે અંતિમ ક્ષણે રદ કરવામાં આવી હતી. પરિણામે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ તાલુકાના શિક્ષણ જગત અને રાજકીય અગ્રણીઓ તેમના માર્ગદર્શન અને સલાહથી વંચિત રહ્યા હતા.
આજરોજ મંજુસર સ્થિત સરકારી શાળામાં શિક્ષણ મંત્રીની મુલાકાતને લઈને સમગ્ર સાવલી તાલુકામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રીને આવકારવા માટે આતુર હતા, જ્યારે તાલુકાનું વહીવટી તંત્ર પણ એક્ટિવ મોડમાં આવી ગયું હતું.
મંજુસર શાળા ખાતે તાલુકાના શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, મંજુસર સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા શિક્ષણ સંઘના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હાજર રહેલા લોકોએ આશરે બે થી અઢી કલાક સુધી રાહ જોયા બાદ અચાનક શિક્ષણ મંત્રીની મુલાકાત રદ થવાનો સંદેશ મળતા નિરાશા છવાઈ ગઈ હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રીની મુલાકાત અને સંવાદ માટે અત્યંત રોમાંચિત હતા, પરંતુ કાર્યક્રમ રદ થતાં તેમની ઇચ્છાઓ અધૂરી રહી ગઈ હતી.
કરજણના કાર્યક્રમના કારણે વિલંબ
આ બાબતે ધારાસભ્ય કેતન ઇનામદારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને કરજણ ખાતે લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી સમયસર મંજુસર પહોંચવું શક્ય બન્યું નહોતું, જેના કારણે મંજુસર સરકારી શાળાની મુલાકાત મોકૂફ રાખવામાં આવી હતી.
મંજુસર સરકારી શાળામાં શિક્ષણ મંત્રીની મુલાકાત ફરી ક્યારે યોજાશે તેની રાહ હવે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે.
રિપોર્ટર: વિમલ પટેલ