ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે રૂ. 100 કરોડ સહિતના વિકાસ કામોની શરૂઆત
ડભોઇ: ડભોઇ વિધાનસભા વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપતા વિવિધ નવીન રોડ-રસ્તાના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે શૈલેષ મહેતા, ડભોઇના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્તવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ડભોઇ વિધાનસભા વિસ્તારમાં આવતાં સાઠોદ–ચાણોદ રોડ, શિરોલા–શંકરપુરા રોડ તેમજ બોરીયાદ–જૂની માંગરોળ રોડના નિર્માણ કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડભોઇ તાલુકાના બોરીયાદ ખાતે રૂ. 2.21 કરોડના ખર્ચે નિર્માણ થનાર બોરીયાદ–જૂની માંગરોળ રોડ, રૂ. 2.78 કરોડના ખર્ચે બનનાર શિરોલા–શંકરપુરા રોડ તથા રૂ. 100 કરોડના ખર્ચે તૈયાર થનાર સાઠોદથી ચાણોદ ચારમાર્ગીય રોડના કામોનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો.
વિકાસને ગતિ આપતા રોડ પ્રોજેક્ટ
આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા-અર્ચના કરી રોડ નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યે જણાવ્યું હતું કે નવીન રોડોના નિર્માણથી વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સુગમ બનશે. નાગરિકોને ધૂળ, કાદવ અને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તેમજ આ રસ્તાઓ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.
ડભોઇ વિધાનસભામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની કડીમાં આ રોડ પ્રોજેક્ટો મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.