હજીરામાં ફરી એકવાર દીપડા દેખાયો છે. આ વખતે કૃભકો કંપનીના ગેટની એકદમ નજીક આવીને દીપડો ઉભો રહ્યો હતો. દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દીપડો કંપનીના ગેટની આટલી નજીક આવતા ગભરાટ વ્યાપી ગયો છે. લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે, જ્યારે દીપડાને પકડવા વન વિભાગે પ્રયાસ શરૂ કરી દીધા છે.
એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કૃભકો કંપનીના ગેટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક હિંસક દીપડો કંપનીના ગેટની એકદમ નજીક આવીને ઉભો રહે છે. તે કેટલીક સેકન્ડો સુધી ખૂબ જ ઝીણવટપૂર્વક ગેટની અંદર જોઈ રહ્યો છે. અંદરની હિલચાલ તપાસી રહ્યો હોય તેવું દીપડાની વર્તણૂંક પરથી લાગે છે. ગેટની જાળીમાંથી અંદર જોયા બાદ તે ત્યાંથી શાંતિપૂર્વક રવાના થઈ જાય છે. ઔદ્યોગિક વિસ્તારમાં દીપડાની અવરજવરના પગલે ગભરાટ વ્યાપી ગયો છે. તેમાંય આ વખતે ગેટની નજીક દીપડો દેખાયો હોય કર્મચારીઓ ભયમાં છે. સીસીટીવી ફૂટેજ તંત્રના ધ્યાન પર આવતા તંત્રએ લોકો અને કંપનીના કર્મચારીઓને સતર્ક રહેવા અપીલ કરી છે. બીજી તરફ વન વિભાગે દીપડાને પકડવાના પ્રયાસ શરૂ કરી દીધા છે.
દીપડો જે માર્ગેથી આવ્યો હતો અને જ્યાંથી પસાર થયો તે તે રૂટનું વન વિભાગ દ્વારા નિરિક્ષણ શરૂ કરી દેવાયું છે. સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી પાંચ પાંજરા ગોઠવી દેવાયા છે. દીપડો ગેટની અંદર પ્રવેશતા માંગતો હતો કે કેમ તે દિશામાં પણ વન વિભાગ તપાસ કરી રહ્યું છે. આ સાથે જ નાઈટ શિફ્ટના કર્મચારીઓને સતર્ક રહેવા અપીલ કરાઈ છે.