સુરતઃ પાલના સંજીવ કુમાર ઓડિટોરિયમ જેવું ભવ્ય ઓડિટોરિયમ હવે કતારગામ વિસ્તારના મળવા જઈ રહ્યું છે. કતારગામમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ તૈયાર થઈ ચૂક્યું છે. આ ઓડિટોરિયમ 876 બેઠકો ધરાવતું હશે.
- કતારગામમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ તૈયાર થયું, 876 બેઠકો ધરાવે છે
શહેરના પોશ વિસ્તારોને જ તંત્ર દ્વારા સારી સુવિધાઓ અપાતી હોવાની ફરિયાદો અનેકોવાર ઉઠતી રહી છે ત્યારે હવે કતારગામ, વરાછા સહિતના વિસ્તારોમાં પણ પાલિકા દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યાં છે, તે અંતર્ગત કતારગામ વિસ્તારમાં પાલના સંજીવ કુમાર ઓડિટોરિયમ જેવું ભવ્ય ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ તૈયાર થઈ ગયું છે.
આ ઓડિટોરિયમમાં 18 મીટરનું સ્ટેજ અને 876 બેઠકો હશે. એક સમયે ગાંધીસ્મૃતિ ભવનમાં 800 બેઠકો હતી. પરંતુ આ ઓડિટોરિયમ તેના કરતા મોટું બનશે. અહીં 6 ગ્રીન રૂમ્સ હશે. તેમજ તમામ મોર્ડન ફેસિલિટી ધરાવતું હશે. ઓડિટોરિયમ 11,721 સ્કેવર ફીટમાં ફેલાયેલું હશે.

ઓડિટોરિયમમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ લગાવાશે. જેના લીધે પ્રેક્ષકો સારી રીતે નાટકો માણી શકશે. આ ઓડિટોરિયમમાં 300 કારનું પાર્કિંગ હશે. આ ઓડિટોરિયમ સુરતનું નવું સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેશે.
ગાંધીસ્મૃતિ ભવનમાં 3.5 કરોડના ખર્ચે હાઈટેક ઓડિયો-લાઈટ સિસ્ટમ નંખાશે
સુરત: નાનપુરા ખાતે આવેલા સુરતના કલાપ્રેમીઓનું માનીતું ગાંધી સ્મૃતિ ભવન હવે ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે શરૂ થવા જઈ રહ્યું છે. વર્ષ 2019માં પ્રેક્ષક ગૃહની છત ધરાશાયી થવાની ઘટના બાદ આ ભવન સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યું હતું, જે બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા 46 કરોડ રૂપિયાના ખર્ચે તેને અત્યાધુનિક બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
હાલમાં આ ભવનની સિવિલ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને સંભવિત રીતે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલાં તેનું લોકાર્પણ થાય તે પ્રકારનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેને લઈને એક પછી એક કામો ઝડપથી હાથ પર લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધી સ્મૃતિ ભવનમાં લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ માટે 3.50 કરોડના કામને મંજૂરી માંગતી દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે.
આ અત્યાધુનિક ભવનમાં હવે સ્ટેજ લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ, કર્ટન અને સ્ટેજ ફ્લોરિંગ જેવી મહત્ત્વની કામગીરીઓ શરૂ કરવામાં આવનાર છે. હવે અંદાજે 3.50 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન ખાતે હાઈ-ટેક લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. આ સાથે જ ભવનમાં એકોસ્ટિક અને ઇન્ટિરિયરની કામગીરી પણ તબક્કાવાર પૂર્ણ કરી શહેરના સાંસ્કૃતિક વારસાને ફરીથી ધબકતો કરવામાં આવશે.