SURAT

પોલીસ કમિશનરે બદલીનો આદેશ કર્યો છતાં ડીંડોલીના 4 કોન્સ્ટેબલને કોણ બચાવી રહ્યું છે?

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં અગાઉ બહાર આવેલા રૂ.200 કરોડના કૌભાંડ બાદ પોલીસ વિભાગમાં હલચલ મચી હતી.આ કૌભાંડના સંદર્ભમાં પો.કમિ. અનુપમસિંહ ગેહલોત દ્વારા ડી-સ્ટાફના ચાર કોન્સ્ટેબલોને ફરજમાંથી દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે, આ આદેશો પર આજદિન સુધી અમલ ન થતાં શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠી રહી છે. ચર્ચા એવી છે કે, કથિત રાજકીય માફિયાઓએ આ આદેશો અટકાવી દીધા છે, જેના કારણે પોલીસ તંત્રની સ્વતંત્રતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

  • રાજકીય દખલગીરી ડીંડોલીના ચાર પો.કો.ને બચાવી રહી છે!
  • કેટલાક વિસ્તારોમાં પોલીસ સ્ટેશન કરતાં રાજકીય માફીયાઓની ઓફિસમાં સલામ ભરાતી હોવાની ચર્ચા

શહેરના લીંબાયત, ઉધના, સચિન, સચિન જીઆઇડીસી, પાંડેસરા, અલથાણ, ખટોદરા અને ડિંડોલી સહિતના અંદાજે 8થી 10 પોલીસ સ્ટેશનોમાં કોન્સ્ટેબલની બદલી, નિયુક્તિ કે હટાવવાની પ્રક્રિયામાં રાજકીય દખલ હોવાની ચર્ચા શહેરમાં જોર પકડી રહી છે.

કહેવાય છે કે, ક્યાં કોન્સ્ટેબલ રહે અને કોની બદલી થાય તે નિર્ણય પોલીસ વિભાગ કરતાં વધુ રાજકીય દબાણ હેઠળ લેવાય છે. આ જ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત નબળી બની ગઈ હોવાનું સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

હત્યાના બનાવો, લૂંટ, ઉઘરાણી, જમીન-મકાન વિવાદો તેમજ હજારો લોકો સાથે થતી સાયબર અને આર્થિક છેતરપિંડી હવે જાણે રોજિંદી ઘટના બની ગઈ છે. આવા બનાવોમાં કથિત રાજકીય તત્વોની ભૂમિકા ચર્ચાનો વિષય બની છે, છતાં કડક કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લોકો ઉઠાવી રહ્યા છે.

વ્યંગાત્મક રીતે કહેવામાં આવી રહ્યું છે કે, હવે કેટલાક વિસ્તારોમાં પોલીસ સ્ટેશન કરતાં રાજકીય માફિયાઓની ઓફિસોમાં સલામ ભરવાની પરંપરા વધુ અસરકારક બની રહી છે.આ સમગ્ર મામલો શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ તંત્રની સ્વાયત્તતા અને રાજકીય દખલ અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે. હવે જોવાનું રહ્યું કે, ઉચ્ચસ્તરે આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આ ચર્ચાઓ માત્ર ચર્ચાઓ પૂરતી જ સીમિત રહેશે.

57 લાખના તોડકાંડમા રાજકીય તત્વના પ્યાદાઓના નામ ઉજાગર થયા હતા
શહેરના લોકોએ ચોંકાવનારી ઘટનાની જાણકારી આપી છે કે ૫૭ લાખના તોડકાંડ સચિન જી.આઈ.ડી.સી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો. જેમાં રાજકીય તત્વના પ્યાદાઓના નામ ઉજાગર થયા હતા તેમજ રાજકીય માફિયાઓની ભાગીદારી પણ ચર્ચાસ્પદ બની હતી. સાથે વેપારીઓને હેરાન પરેશાન કરવામાં પણ પાછળ રહ્યા ન હતા.

પોલીસ કમિશનરની ગરિમા પણ ડગમગી
શહેરમાં મહત્ત્વપૂર્ણ બ્રાંચોમાં હવે રાજકીય માફિયાઓ પોતાની મુજબ અધિકારી નિમણૂંક કરવા કે ન કરવા પર વિચાર કરી રહ્યા છે.કેટલીક સુત્રોએ જણાવ્યું કે સરવાળે પોલીસ કમિશનર જેવી મહત્વપૂર્ણ પોસ્ટોમાં કોઈ ગરિમા જળવાઈ રહી નથી.અધિકારીઓ પોતાના કાર્યમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી મેળવી શકતા અને નિર્ણય પર રાજકીય દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરિણામે, કાર્યક્ષેત્રમાં લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને જાહેર ક્ષેત્રની કામગીરી પર સવાલ ઊભો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ રાજ્યની કાયદેસર અને વ્યવસ્થિત કામગીરી માટે ચિંતાજનક છે.

નીલગીરી સર્કલ બની “બદલીનું ઓપી સેન્ટર”
ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ભૂતપૂર્વ કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસો છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. ત્રણ વર્ષમાં પીઆઈ રામદેવસિંહ ચુડાસમાની કામગીરી પર સવાલ ઊભા થયા છે; મર્ડર કેસમાં સીસીટીવી કેમેરામાં છેડછાડ થઈ હતી. ડિ-સ્ટાફના કોન્સ્ટેબલની બદલી થઇ પણ પીઆઈ સામે કોઈ કાર્યવાહી નથી થઈ. ચર્ચા મુજબ, ડિંડોલી સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં દરેક મહત્વપૂર્ણ નિર્ણય હવે રાજકીય માફિયાઓ દ્વારા લેવામાં આવે છે. તેઓ જે કહે છે, તે જ બને છે, પોલીસ કમિશનરનું કહેવું અપ્રભાવશાળી બની ગયું છે.

Most Popular

To Top