SURAT

સુરતમાં સરકારી ઈમારતોના બાંધકામમાં ભ્રષ્ટ્રાચારની લાંબી યાદી…

સુરત : સુરત જિલ્લાના તડકેશ્વરમાં બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ સમયે જ તૂટી પડતા રાજ્યભરમાં સરકારી બાંધકામોની ગુણવત્તા અને તેમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત મહાનગરપાલિકાના વડોદ ઝોનમાં છેલ્લા દસ વર્ષમાં બનેલા અનેક સરકારી બાંધકામો આજે જર્જરિત હાલતમાં પહોંચી ગયા હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

  • માંગરોળની પાણીની ટાંકી તૂટી પડ્યા બાદ સુરતના બાંધકામો પર સવાલ
  • 15 લાખ લીટરની ક્ષમતાની પાણીની ટાંકી ગળવા માંડી છે, તો સ્કુલમાં સ્લેપ તુટી ના પડે તે માટે લોખંડના એંગલ મારવા પડયા છે
  • બગીચાની નમી પડેલી દિવાલ જાણે અકસ્માતની રાહ જોઇ રહી છે

સામાન્ય લોકો ઘર બનાવે કે કોઇ બાંધકામ કરે તો 40 થી 50 વર્ષ સુધી અડીખમ હોય છે પરંતુ સુરત મનપાના કરોડોના ખર્ચે તૈયાર થયેલા કેટલાક પ્રોજકટ એવા છે જે સાત વર્ષથી લઇને 10 વર્ષમાં ખખડી ગયા છે. આ ઘટનાઓ બાદ સુરત મહાનગરપાલિકાના વિકાસ મોડલ પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન મુકાયું છે કેમકે તકડેશ્વરથી સુરત સુધી બાંધકામોના ભ્રષ્ટાચારની એક જ પેર્ટન જોવા મળી રહી છે. સવાલ ઉઠી રહયા છે કે, શું સુરતનો વિકાસ ખરેખર મજબૂત છે કે પછી અંદરથી ખોખલો?

વડોદમાં 15 લાખ લિટરની ઓવરહેડ ટાંકી : 10 વર્ષમાં ગળવા માંડી
વડોદ વિસ્તારમાં ટી.પી. સ્કીમ-71 હેઠળ વર્ષ 2015માં નિર્માણ થયેલી 15 લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી આજે ભયજનક સ્થિતિમાં છે. ટાંકીના ચારેય બાજુ સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે, અંદરના સ્ટીલના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે અને ઉપરના ભાગની દાદર એટલી નબળી છે કે ત્યાં ચાલવું પણ જોખમરૂપ બન્યું છે. ઘણી જગ્યાએ પાણી ગળે છે જે સ્ટ્કચરને વધુમાં વધુ નબળુ પાડી રહયા છે.

સ્થાનિકોમાં ભય છે કે, જો આ ટાંકી ધરાશાયી થાય તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભારે જાનમાલનું નુકસાન થઈ શકે છે. ત્યારે સવાલ એ ઊભો થયો છે કે આ ટાંકી તૂટી પડે તો જવાબદાર કોણ? ફરિયાદો ઉઠતા રીપેરીંગની લીપાપોતી થઇ પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આ માત્ર ‘ફાયર ફાઇટિંગ’ છે, મૂળ બાંધકામની ગુણવત્તા સામે કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

દસ વર્ષમાં સ્કૂલની દિવાલોમાં તિરાડ પડી, પાણી ટપકે છે
ઉધના ઝોનના વડોદ આવાસ વિસ્તારની સ્કુલ નં.199 સ્થિત શ્રી બીપીનચંદ્ર રામચંદ્ર પાલ સ્કૂલ પણ ભ્રષ્ટાચાર યુકત બાંધકામનું જીવંત ઉદાહરણ બની છે. માત્ર દસ વર્ષમાં જ સ્કૂલની દિવાલોમાં ઊંડા ક્રેક પડી ગયા છે, ઉપરથી સિમેન્ટના પોપડા ખસે છે. છતમાંથી પાણી ટપકતું હોવાથી ચાઇના મોઝેક કરવું પડ્યું અને દિવાલોને ટેકો આપવા લોખંડની એંગલ લગાવવી પડી. વિદ્યાર્થીઓ માટે બનેલી સરકારી શાળા જ જોખમ બની જાય તે તંત્રવાહકોની નબળાઇની પ્રતિતિ કરાવે છે.

હેલ્થ સેન્ટર : 6 વર્ષમાં જર્જરીત થઇ જતા બિલ્ડર સામે કેસ કરવો પડયો
વડોદ હેલ્થ સેન્ટર વર્ષ 2014માં બનાવવામાં આવ્યું હતું, પરંતુ નબળા બાંધકામને કારણે 2020માં તેને બંધ કરવું પડ્યું. સ્થિતિ એટલી ગંભીર હતી કે સુરત મહાનગરપાલિકાને ઇજારદાર સામે કેસ કરવો પડ્યો. જાહેર આરોગ્ય માટે બનાવાયેલું હેલ્થ સેન્ટર છ વર્ષ પણ ન ટકી શકે—એ ભ્રષ્ટાચારનું સૌથી મોટું સાબિતીરૂપ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

બગીચાની દિવાલ છ મહિનામાં તૂટી હજી સુધી રીપેર નહીં થતા અકસ્માતનો ભય
વડોદ બગીચાની દિવાલ ૨૦૧૪માં બની હતી, પરંતુ માત્ર છ મહિનામાં જ તૂટી ગઈ. આજે પણ તેનું સમારકામ થયું નથી. રસ્તાના કિનારે આવેલી આ દિવાલ વાહનચાલકો અને પગપાળા લોકો માટે જોખમરૂપ છે.બગીચાની અંદર પેવર બ્લોક, ટોઇલેટ સહિતના કામો પણ માત્ર છ વર્ષમાં જ ખખડી ગયા હતા—જાણે વિકાસ નહીં પરંતુ ‘કાગળ પરનો વિકાસ’ થયો હોય.

તડકેશ્વરથી સુરત સુધી એક જ પેર્ટન

  • ઉતાવળમાં કામ
  • નબળી ગુણવત્તા
  • જવાબદારી વિનાના ઇજારદારો
  • અને બાદમાં માત્ર રીપેરથી મામલો થાળે પાડવાનો પ્રયાસ

અમારી રજુઆતો બહેરા કાને અથડાય છે : ભારતીબહેન તિવારી
વડોદ ઝોનમાં પાણીની ટાંકી, સ્કૂલ, હેલ્થ સેન્ટર અને બગીચાના બાંધકામોની જર્જરિત હાલત અંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા ભારતીબહેન તિવારીએ જણાવ્યુ હતુ કે “માંગરોળમાં ટેસ્ટિંગ સમયે જ ટાંકી તૂટી પડવી એ અકસ્માત નહીં પરંતુ સંસ્થાગત ભ્રષ્ટાચારનું પરિણામ છે.” સુરત મનપામાં છેલ્લા દસ વર્ષથી ‘કમિશન કલ્ચર’ હાવી છે, જેના કારણે ઇજારદારોને મનમાની છૂટ આપવામાં આવી રહી છે. પરિણામે દસ વર્ષ પણ ન ટકી શકે એવા બાંધકામો ઊભા થાય છે. વડોદની ઓવરહેડ ટાંકી, સરકારી સ્કૂલ અને હેલ્થ સેન્ટરની હાલત કોઈ પણ સમયે મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. હુ કોર્પોરેટર હતી ત્યારે વારંવાર કરેલી રજુઆતો શાસકોના બહેરા કાને અથડાઇ છે તેથી કોઇ કાર્યવાહી થઇ નથી.

Most Popular

To Top