સુરતઃ શહેરમાં સુરત મહાનગર પાલિકા દ્વારા બ્લુ બસ દોડાવવામાં આવી રહી છે. મોટા ભાગની બ્લુ બસની કંડિશન સારી નહીં હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ બસોના ટાયર ફાટી ગયા છે, તો પણ તે બેફામ રસ્તા પર દોડી રહી છે.
- જાગૃત નાગરિકે ફાટેલા ટાયર સાથે દોડતી બસનો વીડિયો બનાવી વાયરલ કર્યો
- બસ ચાલકનો ચોંકાવનારો ખુલાસો, મોટા ભાગની બસો એક જ ટાયર પર દોડે છે
સુરતના જાગૃત નાગરિક પૃથ્વીરાજ રાજપુતે એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટાયર ફાટેલું હોવા છતાં બ્લુ બસ રસ્તા પર ફુલસ્પીડમાં દોડી રહી છે. જાગૃત નાગરિક બસ ચાલકને અટકાવી ટાયરની કંડિશન વિશે પૂછપરછ કરે છે ત્યારે બસ ચાલક ચોંકાવનારો ખુલાસો કરે છે. બસચાલક કહે છે કે મોટા ભાગની બસો એક જ ટાયર પર દોડી રહી છે. બાકીના ટાયરની હાલત ખરાબ છે. બસનું કોઈપણ જાતનું મેઈન્ટેનન્સ કરવામાં આવતું નથી.
આ તબક્કે જાગૃત નાગરિક પૃથ્વીરાજ રાજપૂતે સવાલ ઉઠાવ્યો હતો કે, તક્ષશિલામાં જેવો અગ્નિકાંડ થયો તેવી કોઈ મોટી દુર્ઘટના બને તેની શાસકો રાહ જોતા હોવાનું લાગી રહ્યું છે. રાજપૂતે બસોના મેઈન્ટેનન્સ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાજપૂતે પૂછ્યું હતું કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
દરમિયાન ભેસ્તાન ખાતે આવેલા સિટી બસના ડેપોમાં સુરતની અંદાજે 75 જેટલી બસો સર્વિસ માટે આવે છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે ડેપોમાં ઊભેલી મોટાભાગની બસોના ટાયરો તદ્દન ઘસાઈ ગયેલા છે. રસ્તા પર દોડવા માટે અયોગ્ય ગણાય તેવા ટાયરો સાથે બસોને હજુ પણ કાર્યરત રાખવામાં આવી રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
માત્ર ટાયરો જ નહીં, પરંતુ સિટી બસોની આંતરિક સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. બસની સીટો તો તૂટેલી છે જ, પણ આખી બસ જાણે કોઈ ભંગારનો ડબ્બો હોય તેવી ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. જોકે તેમ છતાં ભેસ્તાન ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે, તમામ સ્થિતિ સામાન્ય છે અને ટાયરોમાં કોઈ સમસ્યા નથી. જો ક્યારેય ટાયરમાં ખામી જણાય તો અમે રાત્રિના સમયે તેને બદલી નાખતા હોઈએ છીએ. નવાઈની વાત તો એ છે કેસ તેમણે એમ પણ ઉમેર્યું કે ચેરમેન તરફથી અમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી, જે તંત્રની બેદરકારી અને આળસુ નીતિનો પુરાવો આપે છે.