ટ્રેનોના અકસ્માતને રોકવા માટે હવે ટ્રેનોમાં ક્વચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉધનાથી જલગાંવ વચ્ચેના 306 કિ.મી. લાંબા રૂટ પર આ સિસ્ટમ લગાડવા રેલવે દ્વારા ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મુંબઈની મુખ્ય રેલવે લાઈન બાદ હવે ઉધના-જલગાંવ વચ્ચેના 306 કિ.મી. લાંબા તાપી સેક્શન રૂટ પર આધુનિક ક્વચ સિસ્ટમ લગાવવામાં આવનાર છે. આ પ્રોજેક્ટથી માત્ર ટ્રેનોના અકસ્માત અટકશે એટલું જ નહીં પરંતુ મુસાફરોને અને રૂટની આસપાસ વસતા લાખો લોકોને લાભ થશે.
ઉધના-જલગાંવ તાપી સેક્શન પર ક્વચ સિસ્ટમ લગાવવા માટે અંદાજે 109.83 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે પશ્ચિમ રેલવેના 436 લોકોમોટિવમાં જરૂરી ટેક્નિકલ ફેરફાર અને અપગ્રેડેશન માટે 373.82 કરોડ ફાળવાયા છે. આ યોજના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વ હેઠળ રેલવેની સુરક્ષા વ્યવસ્થાને આધુનિક બનાવવા લાગુ કરાઈ છે.
ઉધનાથી દોડતી 60 ટ્રેનોને લાભ મળશે
ક્વચ સિસ્ટમ અમલમાં મુકાયા બાદ ઉધનાથી ઉપડતી કે પસાર થતી અંદાજે 60 મેઈલ, એક્સપ્રેસ, પેસેન્જર તથા મેમુ ટ્રેનને સીધો ફાયદો થશે. રેલ મંત્રાલયની અમ્બ્રેલા વર્ક પ્લાન 2024-25 હેઠળ આ સમગ્ર યોજના માટે કુલ 483.65 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ટ્રેનોની સલામતી વધારવા, અકસ્માત રોકવા અને મુસાફરોના જીવ બચાવવા માટે કવચ સિસ્ટમ અંતર્ગત 436 એન્જિનોમાં અપગ્રેડેશન હાથ ધરાયું છે. આ કામગીરી પૂર્ણ થતાની સાથે જ એન્જિનો કવચ સિસ્ટમ સાથે સંપૂર્ણપણે સુસંગત બની જશે.
ક્વચ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?
ક્વચ એક સ્વદેશી ઓટોમેટિક ટ્રેન સુરક્ષા સિસ્ટમ છે. ટ્રેન ડ્રાઈવર તરફથી કોઈ ભૂલ થાય તો પણ આ સિસ્ટમ અકસ્માત અટકાવવામાં મદદરૂપ બને છે. આ ટેક્નોલોજીની મુખ્ય ખાસિયત એ છે કે જો ટ્રેન દ્વારા સિગ્નલ તોડવામાં આવે તો તે આ સિસ્ટમ ઓટોમેટિક બ્રેક લગાવી દે છે. જેથી સામસામે ટ્રેનો આવવાની સ્થિતિમાં ટક્કર ટાળી અકસ્માત રોકી શકાય છે. આ સાથે જ નિર્ધારિત મર્યાદા કરતા ટ્રેન વધુ સ્પીડે દોડતી હોય તો તે ટ્રેનને નિયંત્રિત કરી શકે છે.