એક રૂમમાં બરાબર બધાનું ધ્યાન જાય તેવી જગ્યાએ વચ્ચોવચ દિવાલ પર એક સુંદર ઘડિયાળ લગાવેલી હતી અને તે જ રૂમના દરવાજા પાછળ એક કેલેન્ડર લગાવેલું હતું. ઘડિયાળને પોતાની ટિક ટિક પર બહુ ગર્વ હતો. બધા હમેશાં તેને જોતાં. તે જે સમય દેખાડતી તે પ્રમાણે બધાં પોતાનાં કામ કરતાં,એટલે તેને વધુ અભિમાન થતું કે ‘મારા વગર કોઈને ખબર ન પડે કે સમય શું થયો છે? કે કેટલો સમય પસાર થઈ ગયો છે? હું એક એક ક્ષણ ગણી શકું છું અને બધાને બતાવી શકું છું.’ આ બાજુ બારણા પાછળ કેલેન્ડર શાંતિથી ટંગાયેલું રહેતું.બે ચાર દિવસે કોઈ આજે કઈ તારીખ કે કયો દિવસ છે તે જોવા માટે તેની તરફ નજર નાખતું. બાળકો તો રજા કયારે છે તે જોવા તેની પાસે આવતાં.બાકી તો કેલેન્ડર લટકેલું રહેતું.
ઘડિયાળ પોતાના અભિમાનમાં રોજ કેલેન્ડરની મજાક ઉડાડતી કે, ‘હું તો એક એક પળનો હિસાબ રાખું છું અને તું તો એક એક દિવસ બદલે છે એટલે મારું મહત્ત્વ બહુ વધારે છે. લોકો મને સતત જુએ છે અને તારી પર તો ધ્યાન આપતાં જ નથી.’ કેલેન્ડર સામે કોઈ બોલતું નહિ ચુપચાપ સાંભળી લેતું. એક દિવસ ઘડિયાળ બગડી ગઈ. તેની ટિક ટિક બંધ થઈ ગઈ. તેને લાગ્યું, હવે સમય થંભી જશે પણ એવું કંઈ થયું નહિ. બધાંનાં કામ રાબેતા મુજબ સમય પ્રમાણે થયાં. ઘડિયાળના અટકવાથી કોઈ બીજું અટક્યું નહિ ત્યારે ઘડિયાળનું અભિમાન ઊતર્યું.
કેલેન્ડરે કહ્યું, ‘તારી ટિક ટિક બંધ થઇ ગઈ પણ કોઈ અટક્યું નથી સમજી, ટિક ટિક કરીને એક એક પળ ગણવી તારું કામ છે અને એક એક દિવસ કે એક એક મહિના અને વર્ષ વિષે માહિતી આપવી મારું કામ છે. આપણે આપણું કામ કરીએ તે જ મહત્ત્વનું છે. તું બહુ સારું કામ કરે છે અને બધું તારા પર અવલંબે છે અને તારા સમય દેખાડવા પર જ બધાં કામ થાય છે તે તારી માત્ર માન્યતા હતી. આજે તું બંધ પડી છે પણ બીજું કંઈ અટક્યું નથી એટલે ખોટું અભિમાન ન રાખ અને એટલું સમજી લે કે જીવનમાં દરેકનું પોતપોતાનું મહત્ત્વ હોય છે.’
કેલેન્ડરની વાત સાંભળી ઘડિયાળને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે બોલી, ‘મને માફ કરજે કે મેં તારી મજાક ઉડાડી. હવે મને સમજાઈ ગયું છે કે કોઇ પણ વસ્તુ કે તેનું કાર્ય નાનું કે મોટું હોતું નથી. દરેકની પોતાની ભૂમિકા હોય છે.’ આ રૂપક કથા સમજાવે છે કે જીવનમાં, સમાજમાં, ઘરમાં દરેકની પોતપોતાની ભૂમિકા હોય છે. બધાં અલગ અલગ કામ કરે છે.પોતાના કામને મહત્ત્વનું ગણી અભિમાન કરીએ અને બીજાના કામને નાનું કે નકામું ગણીને અવગણવા કરતાં એકબીજાનું મહત્ત્વ સમજીએ તો જીવન વધુ સુમેળભર્યું બની જાય.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.