કચ્છ-ભુજઃ કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી હતી. ખાવડા નજીક મંગળવારની મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે 1.22 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી આશરે 55 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ભૂકંપ માપન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભૂકંપના આ આંચકાથી કોઈ જાનહાનિ કે માલમત્તા નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં લોકોએ ઘરમાંથી બહાર દોડી આવવાની ફરજ પડી હતી. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં ભૂકંપની અસર વધુ અનુભવાઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે કચ્છ ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવેલો જિલ્લો હોવાથી અવારનવાર નાના-મોટા ભૂકંપના આંચકાઓ નોંધાતા રહે છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.