સુરત: સ્થાયી સમિતિ(STANDING COMMITTEE)માં વર્ષ 2021-22 માટે મંજૂર કરાયેલા બજેટ(BUDGET)માં નવા પ્રોજેક્ટ મૂકી લોકોને સપનાં બતાવવાને બદલે વર્તમાન પ્રોજેક્ટને પૂરા કરવા ઉપર ભાર મૂકવા તેમજ ખાસ કરીને પ્રાથમિક સુવિધા(PRIMARY NEED)ઓ પર ફોકસ કરવાનો રૂખ શાસકોએ અપનાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરત મહાનગરપાલિકા(SMC)માં સમાવિષ્ટ નવાં 27 ગામ અને 2 નગરપાલિકા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો પડકાર મોટો હોવાથી આ વિસ્તારની સુવિધાઓ માટે મ્યુ.કમિશનરે રજૂ કરેલી બજેટની જોગવાઈ રૂ.140 કરોડમાં વધારાના રૂ.20 કરોડ મળી કુલ રૂ.160 કરોડની જોગવાઈ શાસકોએ કરી છે.
ઉપરાંત શહેરમાં 24×7 પાણીની સુવિધા મળી રહે એ અંગે સમગ્ર શહેરમાં તબક્કાવાર જરૂરી આયોજનો હાથ ધરવાનું તેમજ 2021-2022 માટે જરૂરિયાત મુજબનું ભંડોળ (FUND) ફાળવવાનું આયોજન કરવા સાથે પ્રારંભીક 6 કરોડનો વધારો પાણી વિભાગને કરી દેવાયો છે. જ્યારે ડ્રેનેજ(DRAINAGE)ની સફાઈ માટે સુરક્ષાના ભાગરૂપે સુરત શહેરની ભૂગર્ભ યોજનાને વધુ વ્યવસ્થિત કરવાના આશયથી મેનપાવરના બદલે મહત્તમ મશીન હોલની સફાઈ થાય એ હેતુસર જરૂરી સાધનો માટે બજેટની જોગવાઈ વધારવામાં આવી છે.
ડિજિટલ પેમેન્ટ કરનારને આખા વર્ષ દરમિયાન બે ટકા રિબેટ
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે છેલ્લાં બે-ત્રણ વર્ષથી અમુક મહિનાઓ માટે વેરાનું ભરણું ડિજિટલ કરનારાને 2 ટકા રિબેટ અપાતું હતું. જે વર્ષ 2021-22માં આખું વર્ષ ચાલુ રહેશે. જો કે, આ લાભ માત્ર સામાન્ય મિલકતવેરામાં રહેશે, યૂઝર ચાર્જમાં નહીં મળે.
તાપી શુદ્ધીકરણ માટે દીર્ઘદૃષ્ટિ : 90 કિ.મી. સુધી સરકારની મદદથી ડ્રેજિંગ કરાશે
સુરત મનપાની સ્થાયી સમિતિમાં જે મહત્ત્વની જોગવાઇ તાપી શુદ્ધીકરણ માટે કરવામાં આવી છે તે ઊડીને આંખે વળગે તેવી છે. તાપી નદીમાં ગંદકી, જળકુંભી સહિતનાં ન્યૂસન્સ માટે જવાબદાર ઓછું પાણી અને ઠેકઠેકાણે બની ગયેલી ટેકરીઓ છે. તેથી આ ન્યૂસન્સ દૂર કરવા માટે સરકારની યોજનાઓની મદદથી મનપા તાપી નદીનું શહેરથી લઇ 90 કિલોમીટર સુધી ડ્રેજિંગ કરવાનો પ્રોજેક્ટ વિચારાયો છે. આ પ્રકારના પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર 50 ટકા, રાજ્ય સરકાર 30 ટકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ 20 ટકાનો હિસ્સો આપવો પડતો હોવાથી જો આ પ્રોજેક્ટ શક્ય બને તો મનપા તરફથી 20 ટકાનો હિસ્સો આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જો આ પ્રોજેક્ટ સાકાર થાય તો જળકુંભી અને પાણીના ટ્રીટમેન્ટ માટે થતા ખર્ચમાં પણ મોટો કાપ આવી શકે તેવો મત સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે વ્યક્ત કર્યો હતો. ઉપરાંત તાપી નદીમાં ઠલવાતા ગંદા પાણીના આઉટલેટ બંધ કરાવવાના કામને પણ પ્રાધાન્ય આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
શાળાઓને આધુનિક બનાવવા શાસકોએ વધારાના 23 કરોડ ફાળવ્યા
વેરા, પાણી અને ગટર તેમજ આરોગ્યની સાથે સાથે શિક્ષણની સુવિધા પણ વધુ સઘન બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 319 શાળા તેમજ 18 સુમન હાઇસ્કૂલના આધુનીકરણ તેમજ મોડેલ સ્કૂલ શરૂ કરવા બાબતે સુરત મહાનગરપાલિકાના આપવાજોગ ફાળાની રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, તેમાં 23 કરોડનો વધારો શાસકોએ કર્યો છે.
30 ફૂટ સુધીના તમામ રસ્તાઓ કોંક્રીટ રોડ બનશે
શહેરમાં હાલમાં અમુક પહોળાઇ સુધીના રસ્તાઓને જ કોંક્રીટ રોડ બનાવવામાં આવે છે. બાકીના ડામર રોડ હોય છે. જો કે, સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે, હાલમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ જે રીતે ઊંચા ગયા છે. તેના કારણે ડામર રોડ પણ મોંઘા બની ગયા છે અને સીસી રોડ જેટલા જ ખર્ચમાં બને છે. વળી, તે ટકાઉ હોતા નથી. આથી હવે 30 ફૂટ કે તેથી ઉપરના તમામ રસ્તાઓ કોંક્રીટ રોડ બનાવવા માટે સૈધ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે.
સોસાયટીનાં કામો માટે 100 કરોડની જોગવાઈ
સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં જનભાગીદારીથી રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણી, ડ્રેનેજ વગેરે પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમજ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી સ્કીમ હેઠળ તેમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના માટે મનપા કમિશરે 66 કરોડની જોગવાઇ કરી હતી તે વધારીને શાસકોએ 100 કરોડ કરી દીધી છે.
કેનાલ-ખાડી ડેવલપમેન્ટને પ્રાધાન્ય અપાશે
સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાંથી પસાર થતી કેનાલ/ખાડી ડ્રેજિંગ ડેવલપમેન્ટને પ્રાધન્ય આપી બોક્સ કલ્વર્ટથી કવર કરવાની યોજના નક્કી કરવામાં આવી છે. તેમાં વેગ લાવવા માટે બજેટમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી છે.
લોકોનાં કામ માટે સિંગલ વિન્ડો ક્લેરિયન્સ સિસ્ટમ
પ્રજાને કામો માટે એક ઓફિસથી બીજી ઓફિસ કે એક ટેબલથી બીજા ટેબલ પર ભટકવું ના પડે તે માટે થ્રી લેયર મેનેજમેન્ટ/ નોડલ ઓફિસર દ્વારા સિંગલ રિસ્પોન્સિબિલિટી નક્કી કરી સુવિધાઓ સમસ્યાઓનું અસરકારક નિરાકરણ થાય તે મુજબની એડમિનિસ્ટ્રેટિવ વ્યવસ્થા ઊભી કરવાનું વચન પણ શાસકોએ બજેટમાં આપ્યું છે. જેમાં તમામ ખાતા તથા ઝોન દ્વારા દરેક સેવા/સુવિધાઓ માટે સિંગલ વિન્ડો ક્લેરિયન્સ વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગ લાગ એ સ્થળને ફાયરનાં વાહનો ટ્રેસ કરી શકે તેનો પ્રોગ્રામ આવશે
શહેરમાં આગના બનાવો બને ત્યારે ફાયરનાં વાહનો ઝડપથી તે જગ્યાએ પહોંચે તે જરૂરી હોય છે. પરંતુ ઘણા કિસ્સામાં આગનું સ્થળ શોધવામાં થોડું મોડું થઇ જતું હોય છે અને મોટું નુકસાન સહન કરવુ પડતું હોય છે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના ઈ-ગવર્નન્સનો ફાયર વિભાગ માટે મહત્તમ ઉપયોગ થાય એ અંગે એક સંકલિત ડિટેઈલ સોફ્ટવેર પ્રોગ્રામનું આયોજન કરવા માટે શાસકોએ સંબંધિત વિભાગને આદેશ આપ્યો છે.
રિયલ એસ્ટેટ ઠપ્પ, છતાં શાસકોએ પેઇડ એફએસઆઇની આવક 400 કરોડ અંદાજી
મનપા કમિશનર રજૂ કરેલા બજેટના મુસદ્દામાં શાસકોએ પણ કંઇ સુધારો કર્યો છે, તેવું બતાવવા માટે ભાજપ શાસકોએ સ્થાયી સમિતિમાં બજેટનું કદ 6533 કરોડથી વધારી 6605 કરોડ કરી દીધું છે. તેમજ વિકાસ કામો માટેની જોગવાઇમાં પણ 65 કરોડનો વધારો કર્યો છે. તેની સામે આવકનો નવો કોઇ સ્ત્રોત નહીં શોધી શકનારા શાસકોએ રાબેતા મુજબ પેઇડ એફએસઆઇની આવક મનપા કમિશનરે જે 350 કરોડ અંદાજી હતી. તેમાં 50 કરોડનો વધારો સૂચવ્યો છે. જો કે, વાસ્તવિકતા એ છે કે, જે રીતે રિયલ એસ્ટેટ મંદીનો માર સહન કરી રહ્યો છે. તેના કારણે વર્ષ 2020-21માં પેઇડ એફએસઆઇની આવક માત્ર 120 કરોડ થઇ હતી. શાસકોએ તેમાં ચારગણો વધારો સૂચવી શહેરીજનોને જાણે દિવાસ્વપ્ન બતાવ્યું છે.
એરપોર્ટથી ડુમસ સુધી 6 કિમીનું સાઇકલ શેરિંગ
શહેરમાં વધતા પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે તેમજ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાને નાથવા માટે છેલ્લાં બે વર્ષથી સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ મનપા દ્વારા હાથ ધરાયો છે. તેમાં વિસ્તાર કરવા માટે નવા બજેટમાં પણ જોગવાઇ છે. જેમાં શાસકોએ એરપોર્ટથી ડુમસ સુધીના છ કિ.મી. માટે આ પ્રોજેક્ટ શરૂ કરવાની જોગવાઇનો વધારો કર્યો છે.