Vadodara

વડોદરાના સર્કિટ હાઉસ પાસે બેફામ ઇકો કારનો કહેર

ઇકો કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત; 4 જેટલા ટુ વ્હીલર વાહનોને અડફેટે લીધા

સદનશીબે જાનહાનિ ટળી, પણ વાહનોનો કચરણઘાણ

(પ્રતિનિધિ), વડોદરા. તા. 16

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને બેફામ ડ્રાઇવિંગ સામાન્ય બની ગયું હોય તેમ લાગે છે. આજે શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન ગરનાળાથી અલકાપુરી તરફ જવાના માર્ગ પર સર્કિટ હાઉસ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવતી ઇકો કારના ચાલકે પહેલા એક બુલેટ ચાલક GJ 06 SM 5645 ને ટક્કર મારી ત્યાર બાદ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર ઉભેલા 4 જેટલા ટુ-વ્હીલર વાહનોને અડફેટે લીધા હતા. રેલવે સ્ટેશન વિસ્તારમાંથી અલકાપુરી તરફ જઈ રહેલી એક ઇકો કાર GJ 18 BK 1926 ના ચાલકે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. કાર એટલી ઝડપે હતી કે સર્કિટ હાઉસ પાસે પાર્ક કરેલા 4 જેટલા ટુ-વ્હીલર વાહનો તેની લપેટમાં આવી ગયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતને જોતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માત સમયે વાહનો પર સવાર લોકો સમયસૂચકતા વાપરીને ખસી જવામાં સફળ રહ્યા હતા, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો આટલી બેફામ ઝડપે વાહનો કઈ રીતે ચલાવી શકે ? શું ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટ અને પીયુસીના દંડ ઉઘરાવવા પૂરતી જ મર્યાદિત છે ? ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? નિર્દોષ નાગરિકો ક્યાં સુધી ભોગ બનશે ? વડોદરામાં “રફતારનો કહેર” અટકવાનું નામ નથી લઈ રહ્યો. અવારનવાર બનતી આવી ઘટનાઓ સાબિત કરે છે કે વાહનચાલકોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી. રસ્તા પર ચાલતા નિર્દોષ નાગરિકો હવે સુરક્ષિત નથી રહ્યા. જો તંત્ર દ્વારા વેળાસર જાગીને આવા તત્વો સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં કોઈ નિર્દોષે પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. સ્થાનિક પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે અને કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top