વાસી ઉતરાયણે આગની ઘટનાઓમાં ઉછાળો, 17 સ્થળોએ ફાયર ફાઈટરોની દોડધામ; ધાબા પરથી પટકાયેલા બાળકને હોસ્પિટલ ખસેડાયું


સંસ્કારી નગરી વડોદરામાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના પર્વની ઉજવણી દરમિયાન એક વિરોધાભાસી ચિત્ર જોવા મળ્યું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થવાના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ શહેરમાં આગ લાગવાના બનાવોમાં વધારો થતા ફાયર બ્રિગેડ દોડતું થયું હતું.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ દરમિયાન શહેરમાં આગ લાગવાના કુલ 17 બનાવો બન્યા હતા. જેમાં નટુભાઈ સર્કલ પાસે આવેલા સિનેમોલ માં લાગેલી આગ સૌથી મોટો ‘મેજર કોલ’ સાબિત થયો હતો. સદનસીબે, ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલા આ મોલમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની 15-20 મિનિટમાં કાબૂમાં લઈ લીધી હતી.
આગ લાગવાના અન્ય બનાવોમાં કાલુપુરા રોડ, વાસણા, ખોડિયાર નગર અને દંતેશ્વર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આગ લાગવા પાછળના મુખ્ય કારણોમાં રાત્રિ દરમિયાન કરવામાં આવતી આતશબાજી, સળગતી હવાઈઓ રહેણાંક વિસ્તારોમાં પડવી અને ધાબા પર સાઉન્ડ સિસ્ટમના કારણે થતું હાઈ વોલ્ટેજ વેરિએશન શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
જીવદયા પ્રેમીઓ માટે રાહતના સમાચાર એ છે કે આ વખતે પક્ષીઓ ઘાયલ થવાના બનાવો ઘટ્યા છે. બે દિવસમાં પક્ષીઓના રેસ્ક્યુ માટેના કુલ 26 કોલ મળ્યા હતા, જેમાંથી 14 તારીખે 8 અને 15 તારીખે 18 પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર માટે નિર્ધારિત કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા.
આગ ઉપરાંત, ફાયર વિભાગને ત્રણ રેસ્ક્યુ કોલ મળ્યા હતા, જેમાં લિફ્ટમાં ફસાયેલા લોકો અને ધાબા પરથી પડી ગયેલા એક બાળકનો સમાવેશ થાય છે. નવરંગ ટોકીઝ સામે ધાબા પરથી પડેલા બાળકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે SSG હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી.
તંત્ર દ્વારા નોંધવામાં આવ્યું છે કે ઘણા રહેણાંક મકાનોનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી આગ લાગવાના જોખમો વધી રહ્યા છે, જે બાબતે આગામી સમયમાં તપાસ હાથ ધરવામાં આવી શકે છે.