૧૪૨૦ દિવસ બાદ વડોદરામાં આગમન, ભક્તિ–વ્રતો અને ભવ્ય ઉજવણી સાથે સ્વામીશ્રીનું અભિનંદન
વડોદરા
પાંચ ખંડોમાં ભારતીય સંસ્કૃતિના ધ્વજ પતાકા લહેરાવનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશરે ૧૪૨૦ દિવસ બાદ વડોદરા પધારતા, અટલાદરા સ્થિત મંદિર પટાંગણમાં ઉપસ્થિત સાત હજારથી વધુ ભાવિક ભક્તોએ અદ્વિતીય અને અભિનવ સ્વાગત કર્યું હતું.

શુક્રવારે બપોરે ૧૨.૦૦ વાગ્યે અમદાવાદથી વડોદરા પધારેલા મહંત સ્વામી મહારાજને ૯૨ બુલેટ બાઇક સવાર યુવાનોએ મંદિર પરિસર સુધી એસ્કોર્ટ આપી ભવ્ય સ્વાગતનો શુભારંભ કર્યો હતો. ઢોલ–શરણાઈના નાદ અને ફટાકડાની આતશબાજી વચ્ચે સ્વામીશ્રી મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેમણે સર્વપ્રથમ મંદિરમા બિરાજમાન પ્રભુ પ્રતિમાઓના દર્શન કર્યા હતા.

પછી પોડિયમ પર નિર્મિત સુશોભિત મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું અટલાદરા મંદિરના પૂજ્ય સંતોએ પુષ્પહાર અર્પણ કરીને સન્માન કર્યું હતું. મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવના અવસર પર ભક્તોએ વિશેષ ભક્તિ વ્રતો દ્વારા સ્વાગત કર્યું હતું.

મહંત સ્વામી મહારાજ ૧૪૨૦ દિવસ બાદ પધાર્યા હોવાને કારણે ૪૭ બાલ–યુવાનો દ્વારા ૧૪૨૦ દંડવત, અનેક ભાવિક ભક્તો દ્વારા ૯૨ કલાકના નિર્જળ ઉપવાસ, તેમજ પ્રમુખ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ વાંચન વ્રત અંતર્ગત ૧૫૩ પુસ્તકોના ૪૫,૦૦૦ પૃષ્ઠોનું વાંચન કરવામાં આવ્યું હતું. આ તમામ ભક્તિ વ્રતો દ્વારા સ્વામીશ્રીના આગમનને સ્મરણિય બનાવવામાં આવ્યું હતું.
