70 લીટર ડીઝલ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી કપુરાઈ ચોકડી પાસેથી પકડાયા
વડોદરા, તા. 16
કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંબઈ–દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરમાંથી ડીઝલની ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ–ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપીઓને આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે.

વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અંતર્ગત મિલ્કત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરવાડા ગામની સીમમાં મુંબઈ–દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ઉભેલા ટેન્કરમાંથી અંદાજે 70 લીટર (રૂ. 6,440 કિંમતનું) ડીઝલ ચોરી કરાયાનું બહાર આવ્યું હતું.
આ ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી વિજય ફતેસિંહ સોલંકી (રહે. અમરાપુરા, તા. સાવલી, જિ. વડોદરા), અંકીત ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા તથા વિજય ઉર્ફે ગોપાલ વનરાજ પરમાર (બન્ને રહે. કોટલીન્ડોરા, તા. ઠાસરા, જિ. ખેડા)ની સંડોવણી બહાર આવતા પેરોલ–ફર્લો સ્કવોર્ડે શોધખોળ હાથ ધરી હતી.
બાતમીના આધારે કપુરાઈ ચોકડી ખાતે રેડ કરીને ત્રણેય ડીઝલ ચોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે કરજણ પોલીસ સ્ટેશનમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે.