મુસાફરો જીવ બચાવવા પ્લેટફોર્મ પર દોડ્યા!
સાઇરન વાગતા જ DRM સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો, ટેકનિકલ ખામી કે કોઈ દુર્ઘટના? તપાસ તેજ



વડોદરા ગાયકવાડી નગરીના વ્યસ્ત ગણાતા વડોદરા રેલવે સ્ટેશન પર આજે અચાનક ઈમરજન્સી સાઇરન વાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહેલા અને અવરજવર કરી રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કોઈ મોટી દુર્ઘટના બની હોવાની આશંકાએ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
સામાન્ય દિવસની જેમ રેલવે સ્ટેશન ધમધમી રહ્યું હતું, ત્યારે અચાનક વાગેલા તીવ્ર સાઇરનના અવાજે સૌને ચોંકાવી દીધા હતા. રેલવેના પ્રોટોકોલ મુજબ, ઈમરજન્સી સાઇરન કોઈ મોટી દુર્ઘટના, આગ અથવા સુરક્ષા સંબંધી ગંભીર ખતરા સમયે વગાડવામાં આવે છે. આ સાઇરન સાંભળતા જ મુસાફરો પોતાના સામાન સાથે સુરક્ષિત સ્થળે જવા માટે દોડવા લાગ્યા હતા, જેના કારણે થોડીવાર માટે સ્ટેશન પર અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ, રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો તાત્કાલિક પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા. DRM એ સ્વયં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અધિકારીઓની હાજરીને પગલે મુસાફરોને શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
સાઇનર વાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક માહિતી મુજબ, આ કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે અથવા તો કોઈ મોક ડ્રીલનો ભાગ હોઈ શકે છે. જોકે, તંત્ર દ્વારા સત્તાવાર રીતે હજુ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. રેલવેના ટેકનિકલ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ અને સાઇરન સિસ્ટમની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલમાં સ્ટેશન પર સ્થિતિ સામાન્ય છે અને ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે. આ ઘટનાએ રેલવેની ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને મુસાફરોની સુરક્ષા બાબતે ફરી એકવાર ચર્ચા જગાવી છે.