અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉતરાયણ અને વાસીઉતરાયણના પર્વની ઉજવણી કેટલાક પરિવારો માટે ગોઝારી સાબિત થઈ હતી. પતંગની દોરીથી ગળું કપાવવું, ધાબા પરથી પડવું, વીજ કરંટ લાગવો, અકસ્માત સહિતના સંખ્યાબંધ બનાવો અમદાવાદ સહિત રાજ્યભરમાં નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં જુહાપુરા, શાહીબાગ, સીટીએમ અને વટવા વિસ્તારમાં યુવાનોના ગળામાં દોરી આવી જતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત ધાબા પરથી પડવા વાગવા, સહિતના સંખ્યાબંધ બનાવો નોંધાવવા પામ્યા હતા. અમદાવાદના બાવળા બગોદરા ધોરીમાર્ગ ઉપર રામનગરના પાટિયા પાસે થી એક યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના ગળામાં પતંગની દોરી આવી જતા યુવાનને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આણંદના બદલપુર રોડ ઉપર ઇન્દિરા કોલોની પાસે એક ધવલ નામના યુવકના ગળામાં દોરી આવી જતા તેનું ગળું કપાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત આણંદના અશોકભાઈના ગળામાં દોરી આવી જતા ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેવી જ રીતે જંબુસરમાં ગળામાં દોરી આવી જવાની જુદી જુદી ઘટનાઓ ઘટનામાં ત્રણ યુવકનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જંબુસરના પીલુદરા ગામે રહેતા રાહુલ પરમાર ખેતરેથી બાઈક લઈ ઘરે પરત જઈ રહ્યો હતો, ત્યારે ગળામાં દોરી આવી જતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લીના બાયડ ખાતે પણ એક યુવકના ગળામાં દોરી આવી જતા તેનું મૃત્યુ હતુ.
ઉતરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108 ઈમરજન્સી સર્વિસને 8,000 થી વધુ કોલ્સ મળ્યા હતા.
108 ઈમરજન્સી સર્વિસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં ઉતરાયણ પર્વના બે દિવસમાં 8,000 થી વધુ ઈમરજન્સી કોલ 108 સર્વિસને મળ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણા વધારે છે. ઉતરાયણના દિવસ દરમિયાન 108 સર્વિસને કુલ 5,897 ઇમર્જન્સી કોલ મળ્યા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીમાં 33 ટકાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે શારીરિક હુમલાના બનાવવામાં પણ 284.10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ધાબા પરથી પડવા વાગવાના બનાવવામાં 92.33 ટકાનો વધારો જોવા મળ્યો હતો.