Halol

હાલોલમાં બે દિવસીય પક્ષી બચાવો અભિયાનમાં 21 અબોલ પક્ષીઓને મળ્યું નવજીવન

હાલોલ તાલુકામાં ઉતરાયણ દરમિયાન સિદ્ધાંત જીવદયા ટીમનું સરાહનીય કાર્ય

હાલોલ:
હાલોલ તાલુકામાં ઉતરાયણના બે દિવસીય તહેવાર દરમિયાન પતંગની દોરીના કારણે ઘાયલ થતા અબોલ પક્ષીઓના રક્ષણ માટે સિદ્ધાંત જીવદયા ટીમ દ્વારા ચલાવવામાં આવેલા પક્ષી બચાવો અભિયાનમાં સુંદર અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ અને તેના બીજા દિવસે પતંગરસિયાઓ દ્વારા ઉડાડવામાં આવેલી દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થવાની શક્યતા રહેતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિદ્ધાંત જીવદયા ટીમે બે દિવસ સુધી સક્રિય રીતે પક્ષી બચાવ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન દરમિયાન કુલ 21 પક્ષીઓને બચાવવામાં આવ્યા, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 15 કબૂતર અને એક આઇબીસ પક્ષીની સારવાર કરી દવા આપવામાં આવી હતી.

આ ઉપરાંત, દોરીમાં ફસાયેલા 6 કબૂતરને સ્થળ પર જ દોરીમાંથી મુક્ત કરી સામાન્ય સારવાર બાદ વન વિભાગના આરએફઓ સતીશભાઈ બારીયાની જાણકારી અને માર્ગદર્શન હેઠળ સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરીમાં જીવદયા પ્રેમીઓની તત્પરતા અને નિષ્ઠા પ્રશંસનીય રહી હતી. ઉતરાયણ જેવા તહેવારમાં અબોલ પક્ષીઓ માટે બે દિવસ સુધી કરવામાં આવેલું આ સેવાકાર્ય સાચા અર્થમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top