Vadodara

ઘાયલ સમડીની જાતે સર્જરી કરી સ્નાયુ રિપેર કર્યા, ગરુડને કાર્ડિયાક મસાજ આપી જીવદાન આપ્યું

કરૂણા અભિયાન અંતર્ગત ડૉ. શીતલ મિસ્ત્રીની જીવદયાળુ કામગીરી

વડોદરા::
ઉતરાયણ દરમિયાન પતંગની દોરી અને અન્ય કારણોસર ઘાયલ થતા પક્ષીઓ માટે વન વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા કરૂણા અભિયાન અંતર્ગત કમાટીબાગ ખાતે માનવતા અને તબીબી નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. અભિયાનની મુલાકાત દરમિયાન એક સમડી અત્યંત ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવી હતી, જેના પાંખના સ્નાયુઓને ભારે નુકસાન થયું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી અધ્યક્ષ અને સર્જન ડૉ. શીતલ મિસ્ત્રીએ જાતે આગળ આવી સમડીની તાત્કાલિક સર્જરી કરી તેના સ્નાયુઓનું સફળ રિપેર કર્યું હતું.

તે જ સમયે એક ગરુડને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ગરુડનું હૃદય અચાનક બંધ થઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. આ સમયે પણ ડૉ. શીતલ મિસ્ત્રીની ઝડપી કાર્યવાહી અને કુશળતાથી કાર્ડિયાક મસાજ આપી ગરુડનું હૃદય ફરી શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ ઓક્સિજન થેરાપી આપીને ગરુડને જીવતદાન આપવામાં આવ્યું હતું.

વન વિભાગ અંતર્ગત ચાલી રહેલા કરૂણા અભિયાન હેઠળ માત્ર આજે અને કાલે મળી કુલ ૨૯૭ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં ડૉ. શીતલ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તબીબી ટીમે અવિરત સેવા આપી હતી.
પક્ષીપ્રેમીઓ અને નાગરિકોએ ડૉ. શીતલ મિસ્ત્રી તથા સમગ્ર ટીમની આ માનવતાભરી કામગીરીને ખુલ્લા દિલે સરાહના આપી છે અને કરૂણા અભિયાનને સાચા અર્થમાં ‘સેવા પરમો ધર્મ’નું જીવંત ઉદાહરણ ગણાવ્યું છે.

Most Popular

To Top