Vadodara

ઉતરાયણના દિવસે બે જીવ ગયા, ૧૫૩ ઘાયલ સયાજી હોસ્પિટલ પહોંચ્યા

પતંગની દોરી અને અકસ્માતોથી સર્જાઈ દુર્ઘટનાઓ, શહેર–જિલ્લામાં શોકની લાગણી
વડોદરા :-
ઉતરાયણના પર્વની ઉજવણી દરમિયાન શહેર અને જિલ્લામાં દુઃખદ ઘટનાઓ સામે આવી હતી. પતંગની ઘાતક દોરી અને માર્ગ અકસ્માતોને કારણે કુલ ૧૫૩ લોકો ઘાયલ થયા હતા, જ્યારે બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. તમામ ઘાયલોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોમાં વાઘોડિયા વિસ્તારના રહેવાસી ૩૩ વર્ષીય શંકર રાઠવાનો સમાવેશ થાય છે. પતંગ પકડવા જતા તેમના હાથ વીજ વાયરમાં અડકી જતા કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજા બનાવમાં કરજણ ખાતે રહેતા ૧૦ વર્ષીય હિમાંશુ કશ્યપ રસ્તા પર દોડીને પતંગ પકડવા જતા કારની અડફેટે આવ્યા હતા. ગંભીર ઇજાઓના કારણે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાઓને કારણે તહેવારના દિવસે પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળા કે શરીરના અન્ય ભાગે ઈજાઓ, ધાબા પરથી પડી જવાના બનાવો તેમજ રસ્તા પર દોરી આવવાથી સર્જાયેલા અકસ્માતોના અનેક કેસ નોંધાયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉત્તરાયણ પર્વે સયાજી હોસ્પિટલના તબીબોની માનવતા મહેકી

જ્યારે સમગ્ર શહેર ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં મસ્ત હતું, ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ‘સેવા પરમો ધર્મ’ સૂત્રને સાકાર કરતાં ૨૪ કલાક ખડેપગે કાર્યરત રહ્યા હતા. ૧૪ જાન્યુઆરીના રોજ માત્ર એક જ દિવસમાં પતંગની દોરી અને માર્ગ અકસ્માતથી ઘાયલ થયેલા ૧૫૩ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
હોસ્પિટલ તંત્ર દ્વારા પૂર્વનિર્ધારિત આયોજન મુજબ વધારાની તબીબી ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી, જેથી કોઈ પણ ઈજાગ્રસ્તને સારવારમાં વિલંબ ન થાય. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને સિનિયર તબીબોના માર્ગદર્શન હેઠળ જુનિયર ડોક્ટર્સ અને રેસિડેન્ટ્સ દ્વારા સતત અને ઝડપી સારવાર આપવામાં આવી હતી.
સામાન્ય જનતા જ્યારે તહેવાર ઉજવી રહી હતી, ત્યારે સફેદ કોટ ધારણ કરેલા આ ધરતી પરના દેવદૂતોએ લોહીલુહાણ હાલતમાં આવતા દર્દીઓને સ્મિત સાથે સારવાર આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શહેરના નાગરિકો અને દર્દીઓના સગા-સંબંધીઓએ સયાજી હોસ્પિટલના આ સેવાકાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.

Most Popular

To Top