Business

લોખંડના સામ્રાજ્યનો રાજા અને એક લાચાર પિતા!

દુનિયા જેને ‘મેટલ કિંગ’ તરીકે ઓળખે છે, જેણે શૂન્યમાંથી સર્જન કરીને અબજોનું સામ્રાજ્ય ઊભું કર્યું અને જેની સફળતાની વાર્તાઓ મેનેજમેન્ટની શાળાઓમાં ભણાવવામાં આવે છે, તે વ્યક્તિ આજે મૌન છે. વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના જીવનની સફર એ માત્ર બિઝનેસ ટાયકૂનની કહાની નથી, પણ એક પિતાના સપનાઓ, સંઘર્ષ અને અંતે કુદરત સામેની લાચારીની કરુણ દાસ્તાન છે. તાજેતરમાં તેમના પુત્ર અગ્નિવેશ અગ્રવાલના અકાળે નિધને આખી દુનિયાને બતાવી દીધું છે કે, લોખંડ અને ધાતુના સામ્રાજ્ય પર રાજ કરનાર પિતાનું હૃદય પણ માટીનું જ બનેલું હોય છે, જે સંતાનના વિરહમાં ચકનાચૂર થઈ શકે છે.
અનિલ અગ્રવાલની સફર પટનાની સાંકડી ગલીઓથી શરૂ થઈ હતી. હાથમાં માત્ર એક ટિફિન અને આંખોમાં આખી દુનિયા જીતવાનું સપનું લઈને જ્યારે તેઓ મુંબઈ આવ્યા, ત્યારે તેમની પાસે ગુમાવવા માટે કંઈ નહોતું, પણ મેળવવા માટે આખું આકાશ હતું. સ્ક્રેપના વ્યવસાયમાંથી શરૂઆત કરીને ખાણકામના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા સુધીની તેમની સફર પાછળ માત્ર પૈસા કમાવવાની લાલસા નહોતી, પણ પોતાના પરિવારને અને આવનારી પેઢીને એક અદમ્ય વારસો આપવાની ખેવના હતી.
મારો પુત્ર જ્યારે આ ખુરશી પર બેસશે, ત્યારે તેને એ સંઘર્ષ નહીં કરવો પડે જે મેં કર્યો છે. અનિલ અગ્રવાલે પણ લંડનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી જે ખાણો ખરીદી, જે કંપનીઓ ઊભી કરી, તે બધું જ અગ્નિવેશ અને તેમના પરિવારના ભવિષ્ય માટે હતું. પણ કુદરતની બેલેન્સ શીટમાં કંઈક જુદું જ લખાયેલું હતું.
પુત્ર- એક પિતાનો જીવંત અરીસો: પિતા અને પુત્રનો સંબંધ શબ્દોમાં વર્ણવી શકાય તેવો નથી હોતો. પુત્ર એ પિતાનો એ અરીસો છે જેમાં તે પોતાનું યુવાન સ્વરૂપ જુએ છે. અગ્નિવેશ અગ્રવાલ માત્ર અનિલભાઈના પુત્ર નહોતા, પણ તેમના સંસ્કારો અને વ્યવસાયિક દૃષ્ટિનો વારસો હતા. જ્યારે પિતા સફળતાના શિખરે પહોંચે છે, ત્યારે તેને દુનિયાની વાહવાહી કરતાં પોતાના પુત્રની આંખોમાં દેખાતો આદર અને ગર્વ વધુ મૂલ્યવાન લાગે છે.
અનિલભાઈ ઘણીવાર કહેતા કે મારે ભારતને ગરીબીમુક્ત બનાવવું છે. આ વિઝનમાં અગ્નિવેશ તેમનો જમણો હાથ હતા. પિતાએ જે કઠિન પરિશ્રમથી માર્ગ બનાવ્યો હતો, અગ્નિવેશ તે માર્ગ પર આધુનિકતાના ફૂલો વેરતા હતા. પિતા-પુત્રની આ જોડી માત્ર બિઝનેસ મીટિંગ્સમાં જ નહીં, પણ ઘરના આંગણે પણ એકબીજાના પૂરક હતા. આજે એ પૂરકનો સંગાથ છૂટી ગયો છે.
જ્યારે ‘મેટલ કિંગ’ પણ વામણો સાબિત થાય: દુનિયાની ગમે તેવી કિંમતી ધાતુને ઓગાળીને નવો આકાર આપવાની ક્ષમતા અનિલ અગ્રવાલ ધરાવે છે, પણ કાળના પંજામાંથી પોતાના વહાલસોયા પુત્રને બચાવી શકવાની શક્તિ તેમની પાસે પણ નહોતી. અગ્નિવેશના જવાથી જે શૂન્યાવકાશ સર્જાયો છે, તે વેદાંતાના ગમે તેટલા મિલિયન ટન ઉત્પાદનથી પણ ભરી શકાશે નહીં.
એક પિતા માટે સૌથી મોટો આઘાત એ છે કે તેણે પોતાના લોહીને, પોતાના અંશને વિદાય આપવી પડે. જે હાથે પુત્રને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હોય, એ જ હાથે તેની અંતિમવિધિ કરવી પડે, એનાથી મોટું દુઃખ આ પૃથ્વી પર બીજું કોઈ નથી. અબજોની સંપત્તિ, સેંકડો એવોર્ડ્સ અને હજારો કર્મચારીઓનો કાફલો હોવા છતાં, આજે અનિલ અગ્રવાલ એકલા પડી ગયા છે. તેમનો એ અવાજ, એ હાસ્ય અને એ ભવિષ્યનો વારસદાર હવે માત્ર યાદોમાં શેષ છે.
પૈસા અને પ્રેમ વચ્ચેનો ભેદ:
અનિલ અગ્રવાલની આ કહાની આપણને એ શીખવે છે કે જીવનમાં ગમે તેટલી સફળતા મેળવો, પણ અંતે તો પરિવાર અને પ્રેમ જ સાચું ભાથું છે. અનિલભાઈએ જે મહેનત કરી, તે તેમના પુત્ર માટે હતી. આજે જ્યારે એ પુત્ર જ નથી રહ્યો, ત્યારે એ કમાણી, એ ફેક્ટરીઓ અને એ ખનીજોના ઢગલા નિરર્થક લાગે છે.
પિતા-પુત્રના સંબંધમાં એક એવી ગૂંચ હોય છે જે ક્યારેય કહી શકાતી નથી, પણ અનુભવી શકાય છે. પિતા હંમેશા કઠોર દેખાય છે કારણ કે તેણે બહારની દુનિયા સાથે લડવાનું હોય છે, પણ પુત્ર માટે તેનું હૃદય હંમેશા કોમળ હોય છે. અનિલ અગ્રવાલે દુનિયા સામે ભલે ગમે તેટલી લડાઈઓ જીતી હોય, પણ આ એક લડાઈમાં તેઓ હારી ગયા, જ્યાં વિરોધી પોતે ‘સમય’ હતો.
અગ્નિવેશની વિદાય અને અધૂરા સ્વપ્નો: અગ્નિવેશ અગ્રવાલ એક તેજસ્વી ઉદ્યોગપતિ હતા. તેમણે દુબઈના વ્યવસાયને જે રીતે સંભાળ્યો હતો, તે જોઈને અનિલભાઈ નિશ્ચિંત હતા કે તેમનો વારસો સુરક્ષિત હાથોમાં છે, પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક યુવાન પુત્રનું જવું એ માત્ર એક પરિવારની ખોટ નથી, પણ એ રાષ્ટ્રની પણ ખોટ છે જેમાં તે પોતાનું યોગદાન આપવાનો હતો.
આજે જ્યારે આપણે આ લેખ વાંચી રહ્યા છીએ, ત્યારે કદાચ કોઈ એક પિતા તેના પુત્રની તસવીર સામે જોઈને મૌન આંસુ સારી રહ્યો હશે. અનિલ અગ્રવાલ માટે હવે દરેક સફળતા અપૂર્ણ હશે. દરેક નવા પ્રોજેક્ટના લોકાર્પણ વખતે તેમની આંખો કદાચ અગ્નિવેશને શોધશે. પિતાના ખભા પર જે પુત્રનો ભાર હોવો જોઈતો હતો, આજે એ પુત્રની સ્મૃતિઓનો ભાર છે.
અનિલ અગ્રવાલની જીત અને તેમની આ કરુણ હાર આપણને એક જ પાઠ ભણાવે છે:
વધારે પડતા કામ અને સફળતાની દોડમાં ક્યાંક આપણે આપણા પ્રિયજનોને આપવાનો સમય તો નથી ગુમાવી રહ્યા ને? જોકે, અનિલભાઈએ હંમેશા પરિવારને મહત્ત્વ આપ્યું છે, છતાં કુદરતનો નિર્ણય અકળ હોય છે.
‘મેટલ કિંગ’ તરીકે ઓળખાતા અનિલ અગ્રવાલ માટે આપણી સંવેદનાઓ માત્ર શબ્દો નથી, પણ એક પિતા તરીકેની સહાનુભૂતિ છે. ઈશ્વર અગ્નિવેશના આત્માને શાંતિ આપે અને અનિલભાઈને આ અસહ્ય પીડા સહન કરવાની શક્તિ આપે. ધાતુનું સામ્રાજ્ય તો ફરી ઊભું થઈ જશે, પણ પિતાના હૃદયમાં પડેલી આ તિરાડ કદાચ ક્યારેય નહીં ભરાય. જીવનની આ રમત કેટલી વિચિત્ર છે! જેણે આખી દુનિયાને લોખંડ અને જસત આપ્યું, આજે તે પોતે પોતાની સંવેદનાઓના ભાર નીચે દબાયેલા છે. પિતા અને પુત્રના આ અતુટ નાતાને બે હાથ જોડીને નતમસ્તકે અશ્રુભીની શ્રદ્ધાંજલિ. • ફાલ્ગુની આશર

Most Popular

To Top