Godhra

પંચમહાલમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 21 CSC આઈડી બ્લોક કરાયા

પારદર્શિતા લાવવા કડક કાર્યવાહી કરાઇ

પ્રતિનિધિ ગોધરા તા.12

પંચમહાલ જિલ્લામાં ડિજિટલ સેવાઓ આપતા કોમન સર્વિસ સેન્ટરોમાં કાર્યપદ્ધતિ વધુ પારદર્શક બને અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ડિસ્ટ્રિક્ટ મેનેજર વનરાજસિંહ ચાવડાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં સરકારી અને અર્ધ-સરકારી સેવાઓ આપતા સેન્ટરો પર નિયમોનું પાલન થાય તે અનિવાર્ય છે. તાજેતરમાં કરવામાં આવેલી તપાસ અને મળેલી ફરિયાદોના આધારે પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એવા 21 સી.એસ.સી સેન્ટરોના લોગિન આઈડી તાત્કાલિક અસરથી બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર ખાસ કરીને સી.એસ.સી દ્વારા નક્કી કરવામાં કોમન બ્રાન્ડિંગ અને ભાવ પત્રક એટલે કે રેટ લિસ્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા ન હતા અને કેટલાક સંચાલકો પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પી.સી.સી) વિના જ કામગીરી કરી રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
ડિસ્ટ્રિક્ટ મેનેજર વનરાજસિંહ ચાવડાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ સેવાઓનો લાભ સાચા દરે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હવેથી દરેક વીલેજ લેવલ એન્ટરપ્રેન્યોર એટલે કે વી.એલ.ઇ સંચાલકે પોતાના કેન્દ્ર પર ફરજિયાતપણે ઓથોરાઈઝડ બોર્ડ લગાવવું પડશે અને ગ્રાહકો જોઈ શકે તે રીતે તમામ સેવાઓના ભાવ દર્શાવવા પડશે. આ ઉપરાંત દરેક સંચાલક પાસે માન્ય પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે. જો કોઈ સંચાલક નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા તો નાગરિકો પાસેથી નિયત દર કરતા વધુ ચાર્જ વસૂલશે તો તેમના આઈડી કાયમી ધોરણે રદ કરવાની અને કાયદેસરના પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી છે. આ કામગીરીથી સમગ્ર જિલ્લાના સી.એસ.સી સંચાલકોમાં શિસ્તનો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top