ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) માટે વર્ષ 2026ની શરૂઆત નિરાશાજનક રહી છે. વર્ષના પ્રથમ અને અત્યંત મહત્વના PSLV-C62 મિશનમાં ISROને નિષ્ફળતા મળી છે. લોન્ચિંગ પ્રક્રિયા સફળ રહી હોવા છતાં, મુખ્ય ડિફેન્સ સેટેલાઇટ ‘અન્વેષા’ (EOS-N1)ને નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરવામાં રોકેટ નિષ્ફળ રહ્યું. જેના કારણે સમગ્ર મિશન ખોરવાઈ ગયું.
આ મિશન આજે 12 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. PSLV-C62 દ્વારા કુલ 16 ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનો ઉદ્દેશ્ય હતો. જેમાં DRDO દ્વારા વિકસિત અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન અને ડિફેન્સ સેટેલાઇટ ‘અન્વેષા’ સૌથી મહત્વપૂર્ણ હતો.
ISROના અધિકારીઓ મુજબ રોકેટના પ્રારંભિક ત્રણ તબક્કા સુધી બધું જ યોજના પ્રમાણે ચાલતું હતું. જોકે ત્રીજા તબક્કાના અંતમાં ગંભીર ટેક્નિકલ ખામી સર્જાઈ. આ ખામીના કારણે રોકેટની દિશામાં અચાનક ફેરફાર થયો અને મિશન કંટ્રોલ સેન્ટરને ડેટા મળવાનું બંધ થઈ ગયું. ત્યારબાદ ચોથો તબક્કો સંપૂર્ણ રીતે કાર્યરત થઈ શક્યો નહીં અને સેટેલાઇટ્સ રોકેટથી અલગ થઈ શક્યા નહીં.
મિશનની નિષ્ફળતા બાદ ISRO ચીફે નિવેદન આપતા જણાવ્યું કે “PSLVના ત્રીજા તબક્કામાં અસામાન્ય સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે મિશન અપેક્ષિત પરિણામ આપી શક્યું નથી. સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.”
આ મિશનમાં ‘અન્વેષા’ સિવાય અનેક મહત્વપૂર્ણ ઉપગ્રહો પણ સામેલ હતા. જે હવે નષ્ટ થઈ ગયા છે. તેમાં આયુલસેટ (AayulSAT)નો સમાવેશ થાય છે. જે ઓન-ઓર્બિટ રિફ્યુલિંગ ટેકનોલોજીનું પરીક્ષણ કરનાર હતો. સાથે જ MOI-1 નામની ભારતની પ્રથમ ઓર્બિટલ AI ઇમેજ લેબોરેટરી અને વિશ્વના સૌથી હલકા સ્પેસ ટેલિસ્કોપને પણ નુકસાન પહોંચ્યું છે.
આ રીતે ISROનું 2026નું પ્રથમ મિશન નિષ્ફળ જતાં માત્ર એક ડિફેન્સ સેટેલાઇટ નહીં પરંતુ ભારતના ભવિષ્યના અનેક મહત્વાકાંક્ષી અવકાશ પ્રોજેક્ટ્સને પણ મોટો આંચકો લાગ્યો છે.