ભાજપની સરકાર પોતાનાં વિરોધીઓ પર પ્રહાર કરવા કેન્દ્ર સરકારની સંસ્થાઓનો ઉપયોગ કરે છે, તેવો વિપક્ષનો જૂનો આરોપ છે અને તેમાં તથ્ય પણ છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે મમતા બેનરજીને હરાવવા ભાજપ તનતોડ મહેનત કરી રહ્યો છે, જેમાં કેન્દ્રીય એજન્સીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આ સિલસિલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની IPAC અને તેના વડા પ્રતીક જૈનના પરિસરમાં દરોડા પાડ્યા. પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે IPAC અને તેના વડા કેટલા મહત્ત્વપૂર્ણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દરોડા દરમિયાન રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પોતે પ્રતીક જૈનના ઘરે પહોંચ્યાં હતાં. EDનો દાવો છે કે મમતા બેનરજીએ તેમના પક્ષ સાથે સંબંધિત હાર્ડ ડિસ્ક, દસ્તાવેજો અને સંવેદનશીલ ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. મમતા બેનરજીએ પ્રતીક જૈનને ટીએમસીના આઇટી સેલના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. IPAC એ ૨૦૨૧ ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસની વિજયી રણનીતિ તૈયાર કરી હતી.
IPAC ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પણ TMC સાથે જોડાયેલું રહ્યું હતું, જેમાં બંને ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન જોવા મળ્યું હતું. IPAC વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેનું પૂરું નામ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી છે. તેની શરૂઆત ૨૦૧૩ માં સિટીઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ (CAG) તરીકે કરવામાં આવી હતી. IPAC એ સૌ પ્રથમ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કામ કર્યું હતું. ત્યારથી આ સંગઠન વિવિધ પક્ષો માટે ચૂંટણી વ્યૂહરચના ઘડી રહ્યું છે. IPAC એ જે પક્ષો સાથે કામ કર્યું હતું તેઓ મોટા ભાગની ચૂંટણીઓ જીતી ગયા છે. તેમાં પંજાબ કોંગ્રેસ માટે ‘કેપ્ટન દે નૌ નુક્તે’, જેડીયુ માટે ‘નીતીશના ૭ નિશ્ચય’, ટીએમસી માટે ‘દીદીના શપથ’ અને આમ આદમી પાર્ટી માટે ‘કેજરીવાલની ૧૦ ગેરંટી’ સહિત અનેક ઝુંબેશનો સમાવેશ થાય છે. કેટલીક ચૂંટણીઓમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો.
કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની I-PAC ના કાર્યાલય પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડા દરમિયાન મુખ્ય મંત્રી મમતા બેનરજી પહોંચ્યા પછી બનેલી ઘટનાઓ અંગે સૂત્રોએ અનેક સનસનાટીભર્યા દાવાઓ કર્યા છે. આ સમગ્ર મામલો હવે રાજકીય અને કાનૂની બંને મોરચે ગંભીર વિવાદમાં ફેરવાઈ રહ્યો છે. ED ના સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરજી I-PAC કાર્યાલય પર પહોંચ્યાં ત્યારે પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ. તેમણે ત્યાં હાજર પ્રતીક જૈનનો મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (DGP) પણ હાજર હતા. પ્રતીક જૈન હવે વિવાદોમાં ઘેરાઈ ગયા છે. ૧૬ મે, ૨૦૧૪ ના રોજ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક ફોટો વાયરલ થયો હતો, જેમાં એક યુવાન સ્મિત સાથે વિજયી નરેન્દ્ર મોદીની બાજુમાં ઊભો હતો અને તેની સાથે તેના સાથીદારો પણ હતા.
આ દિવસે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) એ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો હતો. એક દાયકા કરતાં વધુ સમય પછી પ્રતીક જૈન ભારતના રાજકીય સ્પેક્ટ્રમના બીજા છેડે ઊભા છે અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે એક મુખ્ય વ્યૂહરચનાકાર છે, જેમને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરમાં તેમના પક્ષના IT અને રણનીતિ પ્રભારી તરીકે વર્ણવ્યા છે. પ્રતીક જૈન સાથે કામ કરનારાઓ કહે છે કે ધીરજ તેમના માટે માત્ર એક સૂત્ર નથી, પરંતુ એક રાજકીય શસ્ત્ર પણ છે.
ઝારખંડમાં જન્મેલા પ્રતીક જૈને ૨૦૦૮ માં IIT બોમ્બેમાં પ્રવેશ મેળવ્યો અને મેટલર્જિકલ એન્જિનિયરિંગ અને મટિરિયલ્સ સાયન્સમાં B. Techની ડિગ્રી મેળવી હતી. તેમની શરૂઆતની કારકિર્દી રાજકારણથી તદ્દન અલગ હતી. ખાનગી બેંકમાં ઇન્ટર્ન તરીકે કામ કર્યા પછી, તેમણે ૨૦૧૨ થી એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ડેટા એનાલિસ્ટ તરીકે કામ કર્યું. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી, જૈને I-PAC ની સહ-સ્થાપના કરી અને તેના મુખ્ય કાર્યકારી વ્યક્તિત્વ તરીકે ઊભરી આવ્યા હતા. તેઓ I-PAC ના ચહેરા પ્રશાંત કિશોર કરતાં ઓછા જાણીતા હતા, પરંતુ એટલા જ મહત્ત્વપૂર્ણ હતા.
૨૦૧૩ માં જ્યારે ભાજપ પાર્ટી નરેન્દ્ર મોદીને તેમના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઊભા રાખવાની તૈયારી કરી રહી હતી, ત્યારે પ્રતીક જૈન રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની મુખ્ય ટીમનો ભાગ હતા. તે સમયે ઓછા જાણીતા ડેટા નિષ્ણાત હોવા છતાં, પ્રતીક જૈને માત્ર ચૂંટણી ગણિતમાં તેમની કુશળતા માટે જ નહીં, પરંતુ રાજકારણીઓનાં વર્તન, તેમની ઓન-કેમેરા બોડી લેંગ્વેજ અને ટેલિવિઝન સ્ક્રીન દ્વારા ગુસ્સા અને અધીરાઈને કેવી રીતે દૂર કરવાં તે સમજવાની તેમની ક્ષમતા માટે પણ પ્રતિષ્ઠા મેળવી હતી.
ભૂતપૂર્વ રાજકીય વ્યૂહરચનાકાર અને જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર પણ કોઈ સમયે IPAC સાથે સંકળાયેલા હતા. ૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રશાંત કિશોર IPACનો ચહેરો હતા. પછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને IPAC થી અલગ થઈ ગયા હતા. IPAC માં કામ કરી ચૂકેલા ફલક્યાર અસ્કરીએ કહ્યું કે પ્રશાંત કિશોર ફક્ત સલાહકાર તરીકે કામ કરતા હતા.
કંપનીના માળખામાં એવું કંઈ નહોતું જે તેમને બાંધી રાખે, તેથી જ્યારે તેઓ ગયા ત્યારે કંપની પર કોઈ અસર પડી નહીં. પ્રશાંત કિશોરના ગયા પછી IPAC ની કમાન ઋષિ રાજ સિંહ, વિનેશ ચંદેલ અને પ્રતીક જૈનના હાથમાં છે. પ્રતીક જૈન IPAC માં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. એવું માનવામાં આવે છે કે પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીમાં ટીએમસી માટે કામ કરવાની સંપૂર્ણ જવાબદારી તેમની છે. તેઓ IPAC સિસ્ટમને TMC સિસ્ટમ સાથે જોડવાનું કામ કરે છે.
પ્રતીક જૈનની લિંક્ડઇન પ્રોફાઇલ પરથી મળેલી માહિતી અનુસાર , તેઓ IPAC માં સહ-સ્થાપક અને ડિરેક્ટર છે. તેઓ એપ્રિલ ૨૦૧૫ થી કંપની સાથે છે. તે પહેલાં પ્રતીક જૈન સિટીઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સના સ્થાપક સભ્ય હતા. રાજકીય સલાહકાર કંપનીમાં જોડાતાં પહેલાં તેમણે બહુરાષ્ટ્રીય કંપની ડેલોઇટમાં વિશ્લેષક તરીકે કામ કર્યું હતું. તેમણે IIT બોમ્બેમાંથી B. Tech કર્યું છે.
ટીએમસીના એક નેતાએ જણાવ્યું હતું કે પ્રશાંત કિશોરથી વિપરીત પ્રતીક જૈન હંમેશા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પ્રતિભાશાળી વ્યક્તિ હોવાને કારણે, તેઓ એકાંતમાં શ્રેષ્ઠ રીતે કામ કરે છે. વધુમાં તેમનાં મૂળ કોલકાતામાં છે અને તેઓ મોટા ભાગનાં લોકો કરતાં બંગાળની ભૂરાજનીતિને વધુ સારી રીતે સમજે છે. ટીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ પ્રતીક જૈન સાથે સંબંધિત એક ઘટના યાદ કરી હતી. બંગાળમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી પ્રતીક જૈનને મુખ્ય મંત્રી અને તેમની ટીમ સાથે ફોટોગ્રાફ માટે પોઝ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.
બીજા દિવસે મીડિયામાં પ્રકાશિત થયેલા ફોટોમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે તેઓ ફોટોગ્રાફ માટે પોઝ આપવામાં અસ્વસ્થ દેખાતા હતા. આ પૂર્વીય ભારતીય રાજ્યમાં છેલ્લી ચૂંટણી ૨૦૨૧ ના ઉનાળામાં યોજાઈ હતી, જ્યારે કોવિડ-૧૯ ની બીજી અને વધુ ખતરનાક લહેર ચાલી રહી હતી. અહીં ૨૯૪ વિધાનસભા બેઠકો છે. આ ચૂંટણીમાં મમતા બેનરજીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ભાજપને હરાવ્યું હતું. TMC એ ૨૧૫ બેઠકો જીતી, જ્યારે BJP એ ૭૭ બેઠકો મેળવી હતી. TMC ને લગભગ ૪૮ ટકા મત મળ્યા હતા, જ્યારે BJP ને ૩૮ ટકા મત મળ્યા હતા. બિહારનાં પરિણામો પછી ભાજપ કહી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ તેનું આગામી લક્ષ્ય છે. ભાજપ માટે આ જીવનમરણનો જંગ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.