એસોસિએશનના હોદ્દેદારો પર ખોટા ઉઘરાણાના આક્ષેપ, 1560 ફ્લેટના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો
(પ્રતિનિધિ) વડોદરા, તા. 12
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ–3માં એસોસિએશનના અસ્પષ્ટ વહીવટ સામે રહીશો ભડકી ઉઠ્યા હતા. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી પૂર્વે જ એસોસિએશનના પ્રમુખ સહિત કમિટી મેમ્બરો દ્વારા અગાઉના હિસાબો રજૂ ન કરવાના તેમજ તહેવારોના નામે ખોટા ઉઘરાણા કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે 15 ટાવરના કુલ 1560 ફ્લેટના રહીશોએ “જય શ્રી રામ”ના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ગોરવા વિસ્તારમાં આવેલી આ રહેણાંક યોજનામાં મોડી રાત્રે રહેવાસીઓ એકત્ર થયા હતા. રહીશોનું કહેવું છે કે લાંબા સમયથી એસોસિએશન પાસે હિસાબોની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ છ મહિના પસાર થઈ ગયા છતાં કોઈ સ્પષ્ટ હિસાબ આપવામાં આવ્યો નથી. એસોસિએશને દર ત્રણ મહિને હિસાબ આપવાની ખાતરી આપી હતી, જેનું પાલન થયું નથી. સાથે સાથે અનેક કામો માટે આપેલી કમિટમેન્ટ પણ અધૂરી હોવાનું રહીશોએ જણાવ્યું.

રહિશોનો આક્ષેપ છે કે નવરાત્રી, ગણપતિ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં એકત્ર થયેલા ફંડનો યોગ્ય ઉપયોગ થયો નથી. મંદિર માટે એકત્ર થયેલા નાણાં અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી અને બે વર્ષથી મંદિરના નિર્માણ અંગે કોઈ ઠોસ કાર્યવાહી દેખાતી નથી.
ઉપરાંત, હવે ઉત્તરાયણના તહેવારને લઈને દરેક ટાવર પાસેથી રૂ. 2000 ઉઘરાવવાની વાત ચાલી રહી હોવાનું રહીશોએ જણાવ્યું, જે ગરીબી રેખા નીચે અને મધ્યમ વર્ગના પરિવારો માટે ભારરૂપ હોવાનું જણાવ્યું. રહિશોએ સ્પષ્ટ કહ્યું કે ગણપતિ અને નવરાત્રી સિવાય અન્ય કોઈ તહેવારમાં ઉઘરાણા સ્વીકાર્ય નથી. આ મુદ્દે એસોસિએશનની કામગીરી સામે રહિશોમાં ભારે રોષ જોવા મળ્યો છે.