સભ્યોના “મફત પાસ 10–12 હજારમાં વેચાય છે!” – ક્રિકેટપ્રેમીનો આક્રોશ
(પ્રતિનિધિ) વડોદરા | તા. 10
વડોદરામાં ભારત–ન્યૂઝીલેન્ડ વનડે મેચ પહેલા જ એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચ પૂર્વે ટિકિટોની કાળા બજારી થતી હોવાના ગંભીર આક્ષેપ થયા છે. આક્ષેપ વધુ ગંભીર એટલા માટે છે કે ટિકિટોની કાળા બજારી ખુદ બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના સભ્યો દ્વારા થતી હોવાનું કહેવાઈ રહ્યું છે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સભ્ય અને ક્રિકેટપ્રેમી મુફદલ ઘડિયાળીએ બીસીએ સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. દીકરી સાથે કોટંબી સ્ટેડિયમ બહાર પહોંચેલા મુફદલે જણાવ્યું કે, “હું રોહિત શર્માનો મોટો ફેન છું. નેટ પ્રેક્ટિસ જોવા આવ્યો, પરંતુ ટિકિટ મળતી નથી. બીસીએના સભ્યોને મફતમાં મળતા કોમ્પ્લીમેન્ટરી પાસ 10થી 12 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યા છે. 1 હજારની ટિકિટ 10 હજારમાં, 2 હજારની ટિકિટ 15 હજારમાં અને બોક્સની ટિકિટ 25થી 27 હજારમાં વેચાય છે. આ ખુલ્લી લૂંટ છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “અનેક વિસ્તારોમાંથી લોકો મેચ જોવા આવવા માંગે છે, પરંતુ ટિકિટ ગાયબ! સ્ટેડિયમની કેપેસિટી ઓછી છે અને બીસીએ જ ટિકિટ ગાયબ કરાવે છે.”

“બાળકો અને ગર્લ્સ ક્રિકેટની વાતો ફક્ત ભાષણ પૂરતી?”
મુફદલ ઘડિયાળીએ પોતાની દીકરીનો ઉલ્લેખ કરતાં લાગણીસભર પરંતુ આક્રમક શબ્દોમાં કહ્યું, “મારી દીકરી વિરાટ કોહલીની ફેન છે. એને ખેલાડીઓને જોવા મળ્યા નહીં એટલે રડી પડી. ગર્લ્સ ક્રિકેટ અને યુવા ક્રિકેટને પ્રમોટ કરવાની વાતો બીસીએ કરે છે, પરંતુ હકીકતમાં અમારા બાળકો માટે શું કરે છે?”
બીસીએ સામે સવાલોનો વરસાદ
આ સમગ્ર ઘટનાએ બીસીએની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. જો આક્ષેપો સાચા છે તો ક્રિકેટપ્રેમીઓ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. બીસીએ પર આરોપ છે કે ક્રિકેટને વેપાર બનાવીને સામાન્ય પ્રેક્ષકોને સ્ટેડિયમ બહાર રાખવામાં આવી રહ્યા છે.
ક્રિકેટપ્રેમીઓની સ્પષ્ટ માંગ છે કે આગામી મેચોમાં બીસીએ પારદર્શક ટિકિટ વ્યવસ્થા કરે, કોમ્પ્લીમેન્ટરી પાસના દુરુપયોગ પર રોક લગાવે અને ક્રિકેટને ફરી એકવાર જનતા સુધી પહોંચાડે—નહીતર બીસીએ સામે આક્રોશ વધુ ઉગ્ર બનશે.