Vadodara

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ઓડીઆઈ મેચ પોલીસ માટે પડકારરૂપ

હાઈવેના માર્ગો પર ટ્રાન્સપોર્ટેશન સહિતના વાહનચાલકોને હાલાકી :

સ્ટેડિયમ બહાર પાર્કિંગ સહિતના આયોજનમાં અંધાધૂંધી સર્જાવાના એંધાણ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

વડોદરા નજીક કોટંબી ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ ખાતે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓડીઆઇ ક્રિકેટ મેચ રમાશે વહેલી સવારથી જ ક્રિકેટ પ્રેમીઓની એન્ટ્રી શરૂ થઈ જશે. તો બીજી તરફ હાઇવેના માર્ગો પરથી દરરોજ પસાર થતાં ટ્રાન્સપોર્ટેશનના વાહનો સહિતના રાબેતા મુજબ કામ ધંધે વ્યાપાર અર્થે જતા અન્ય વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડશે. જ્યારે સ્ટેડિયમ ખાતે આ વખતે વર્ષો બાદ મોટી ક્રિકેટ મેચ રમનાર હોય વડોદરા શહેર જિલ્લા અને રાજ્ય બહારથી પણ ક્રિકેટ પ્રેમીઓ આવશે. જેને પગલે પાર્કિંગ સહિતના આયોજનમાં પણ અંધાધુંધી સર્જાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

લાંબા વર્ષોના અંતરાલ બાદ બરોડા ક્રિકેટ એસોસિએશનને ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ઓડીઆઇ ક્રિકેટ મેચ મળી છે. જે આજે રવિવારે 11 જાન્યુઆરીએ કોટંબી ખાતે બીસીએના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જોકે આ વખતે વડોદરાના મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓ મોબાઈલ પર અને પોતાના ઘરે ટીવી પર મેચ જોઈ આનંદ માણશે. કારણકે જ્યારે ક્રિકેટ મેચની બુકિંગ માટે ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ થયું તેની ગણતરીની મિનિટમા જ ટિકિટ સતત બે દિવસ સુધી સોલ્ડ આઉટ દર્શાવી હતી. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના અનગઢ આયોજનને પગલે રોષ જોવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ બરોડા ક્રિકેટ એસોસિયેશનના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત બીસીએના સભ્યોને પણ લાઈનમાં ઊભા રહી ટિકિટ મેળવવાની ફરજ પડી હતી. જેને પગલે કેટલાક સભ્યોમાં છૂપો રોષ પણ જોવા મળ્યો હતો. રવિવારે યોજાનારી મેચને લઈને સવારે 9:00 કલાકથી જ એન્ટ્રી શરૂ કરવામાં આવનાર છે. બપોરે 1:30 કલાકે મેચ શરૂ થાય તે પૂર્વે સ્ટેડિયમ ગીચોગીચ ભરાઈ જશે. જ્યારે મેચ શરૂ થતાં પહેલાં સ્ટેડિયમ બહાર પાર્કિંગ સહિતની વ્યવસ્થાના આયોજનમાં અંધાધૂંધી સર્જાવાની શકયતા રહેલી છે.

મેચ પૂર્વે બંને ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી :

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. તે પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન, રોહિત શર્મા, શ્રેયસ ઐયર, રિષભ પંત, કે. એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા સહિત ન્યૂઝીલેન્ડના ના ક્રિકેટરોએ પણ નેટ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે, બીજી તરફ ન્યુઝીલેન્ડના ક્રિકેટર્સ સવારે હોટલમાંથી બહાર નીકળીને વડોદરાના રસ્તાઓ પર ચાલતા જોવા મળ્યા હતા અને નાસ્તો કરવા માટે કાફેમાં ગયા હતા. રસ્તા પર ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

નેટ પ્રેક્ટિસ વખતે સ્વીપ શોટ મારવા જતા રિષભ પંત ઈજાગ્રસ્ત :

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પૂર્વે ક્રિકેટરોએ કોટંબી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. જેમાં સ્વીટ શોર્ટ મારતા સમયે ક્રિકેટર રિષભ પંતના સ્નાયુ ખેંચાઈ ગયા હતા જેના કારણે તેને ઈજા થતા મેદાનમાં ઢળી પડ્યો હતો. રિષભ પંત ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર- બેટર છે. ઇન્જરી થતાની સાથે જ રીષભ પંતે પ્રેક્ટિસ બંધ કરવી પડી હતી અને મેદાન છોડવુ પડ્યું હતું. તાત્કાલિક તેને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

શહેર પોલીસ ટ્રાફિકના સમસ્યા ન સર્જાય તેની તકેદારી રાખવા સજ્જ :

ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચને લઇને વડોદરા શહેર પોલીસે ગ્રામ્ય પોલીસ સાથે સંકલન કરીને એક ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન તૈયાર કરાયો છે. રોડ પરના અમદાવાદ સુરત ભરૂચ તથા વડોદરા શહેર તરફથી જનારા ટ્રાફિકનાં આયોજન માટે ટ્રાફિક ન સર્જાય તેના માટે તકેદારી રખાશે. ઉપરાંત દુમાડ, ગોલ્ડન, કપુરાઇ જામ્બુઆ તથાઆજવા ચોકડી ખુલ્લી રહી તેના માટે પ્રયાસ કરાયા છે. હાઇવે ઓથોરિટી, પાલિકાના અધિકારીઓ સાથે સંકલન કરાયું છે. ટ્રાફિક તથા સ્થાનિક પોલીસના ડીસીપી, એસીપી, પીઆઇ તથા કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટીકીટો હોય તો વહેલી નીકળી યોગ્ય રીતે વાહનપાર્ક કરીને તમારા નક્કી કરેલા સ્થળ પર સમયસર પહોંચી જાવ. સંકલનથી આગળ વધવાના લક્ષ રાખવા માટે પણ અપીલ કરાઇ છે. શહેરના સંવેદનશી તથા અતિસંવેદનશીલ વિસ્તારમાં પોલીસ તૈનાત રહેશે. શાતિપૂર્ણ માહોલમાં મેચના ઉત્સાહને માણવા માટે આહવાન કરાયું છે. : નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર વડોદરા શહેર


ક્રિકેટ મેચને દરમિયાન ડીવાયએસપી અને પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ અને હોમગાર્ડ મળી 1400 જવાનો તૈનાત રહેશે.

વડોદરા જિલ્લામાં ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઇન્ટેરનેશનલ ક્રિકેટ મેચ 15 વર્ષ બાદ યોજાવા જઇ રહી છે જે વડોદરા માટે ઘણી ગર્વની વાત કહેવાય. ક્રિકેટ મેચ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે 6 ડીવાયએસપી કક્ષાના, 100થી વધારે પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારી તેમજ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ મળી 1400 ઉપરાંતનો જવાનોનો બંદોબસ્ત તૈનાત કરાશે. લોકોને પાર્કિંગ ચાર્જ ચુકવવા પડતા હોય તેઓ રોડ પર આડેધડ રીતે વાહનો પાર્ક કરી દેતા હોય છે જેના પગલે ઘણીવાર ટ્રાફિક સર્જાતો હોય છે. ત્યારે આ વખતે પહેલીવાર પાર્કિંગ સદંતર રીતે ફ્રી રાખવામાં આવ્યું છે.વાહન મુકવા ચાલકોને મુશ્કેલી ના પડે તેના માટે પાર્કિંગ માટે મોટી જગ્યાની પણ વ્યવસ્થા કરાઇ છે. : સુશિલ અગ્રવાલ, એસપી વડોદરા ગ્રામ્ય

Most Popular

To Top