Halol

ચેક રિટર્ન કેસમાં હાલોલ કોર્ટનો ચુકાદો, આરોપીને કલમ 138 હેઠળ નિર્દોષ જાહેર કર્યો

હાલોલ | તા. 10/01/2026

હાલોલ કોર્ટમાં ચાલતા ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પાઠક સ્ટીલ ટ્રેડર્સના ભાગીદાર બ્રિજ મોહનરામપ્રસાદ કેડીયાએ એસ.કે.એમ. ઇન્ડસ્ટ્રીઝના ઓથોરાઇઝ સુનિલ માખીજા (રહે. 406, સત્યનારાયણ એવન્યુ, સત્યનારાયણ મંદિર પાસે, મહાજન સ્કૂલ સામે, નાની દમન) સામે ચેક રિટર્ન અંગે ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદ મુજબ, પાઠક સ્ટીલ ટ્રેડર્સ દ્વારા ઇન્વોઇસ નંબર 964 મુજબ સ્ટીલના રાઉન્ડ બાર મટીરિયલ તથા જીએસટી સહિત કુલ રૂ. 4,11,832/-નું માલ ખરીદવામાં આવ્યું હતું. આ રકમની ચુકવણી માટે આરોપીએ HDFC Bank, નાની દમન શાખાનો ચેક નંબર 000562 તારીખ 16/03/2021નો રૂ. 4,08,938/-નો પાઠક સ્ટીલ ટ્રેડર્સના નામે આપ્યો હતો. આ ચેક પરત ફરતા ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ હાલોલ કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 1685/2021 દાખલ કર્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન આરોપી પક્ષના વકીલે સચોટ દલીલો રજૂ કરી હતી તથા સર્વોચ્ચ અદાલતના સંબંધિત ચુકાદાઓનો આધાર લીધો હતો. કોર્ટએ ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાનો વિગતવાર અભ્યાસ કરી આરોપી પક્ષ દ્વારા પુરાવાનું નક્કર ખંડન થયેલ હોવાનું માન્યું.
આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ હાલોલ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.બી. જોશીએ આરોપી એસ.કે.એમ. ઇન્ડસ્ટ્રીઝના સુનિલ માખીજાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ગુનામાંથી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top