ભારતની “નંબર વન ક્લિન સિટી કહેવાતી ઇન્દોર આજે એક દુખદ હકીકત સામે ઉભી છે.ઝેરી પીવાના પાણીના કારણે 15 નિર્દોષ લોકોના મોત અને અંદાજે 3000 નાગરિકો હોસ્પિટલમાં દાખલ થવા પડ્યા છે. આ દુર્ઘટનાનું કારણ કોઈ કુદરતી આફત નહીં, પરંતુ પીવાના પાણીમાં ગટરનું ઝેરી પાણી મિક્સ થવું છે. સ્થાનિક નાગરિકો લાંબા સમયથી ફરિયાદો કરતા રહ્યા, પરંતુ દુર્ભાગ્યે કોઈ જવાબદાર કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે પત્રકારોએ આ ગંભીર મુદ્દે પ્રશ્ન કર્યો ત્યારે એક નેતા તરફથી મળેલો જવાબ “આ ફાલતુ પ્રશ્ન છે!” “ઘંટા કર્યું?” આ શબ્દો માત્ર અશોભનીય નથી, પરંતુ જાહેર જીવનની જવાબદારીનું અપમાન છે. આ ઘટના માત્ર ઇન્દોર સુધી સીમિત નથી.
ગુજરાતના ગાંધીનગરમાં પણ ટાઈફોઇડના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યાં દેશનું “પોલિટિકલ હાર્ટ” વસે છે, ત્યાં પણ લોકો આજે સ્વચ્છ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. વિશ્વગુરુ બનવાની દોડમાં, સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાતોમાં, લોકોને જીવતું રાખવા માટેનું પાણી જ ઉપલબ્ધ નથી — તો પછી આ વિકાસ કોના માટે? આ મુદ્દો રાજકીય ટિપ્પણીનો નહીં, પરંતુ માનવતા, જવાબદારી અને સંવિધાનિક ફરજનો છે. શું એક નાગરિક ને, શુદ્ધ પીવાનું પાણી, જવાબદાર વહીવટ, અને નેતાઓ પાસેથી જવાબદારીભર્યો વ્યવહાર જો આ પણ ન મળે, તો “વિશ્વગુરુ” માત્ર ભાષણોમાં રહેશે, અને સામાન્ય નાગરિક હોસ્પિટલની કતારમાં.
પરવત ગામ, સુરત- આશિષ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.