મોડાસા: હાલ બટાકાની સીઝન ચાલતી હોવાથી ઈટાડી ગામના ૭ જેટલા સગીર મિત્રો પરિવારને મદદરૂપ થવા કિશોરપુરા ગામ નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાં કામકાજ અર્થે જતા હતા. ત્યારે જાણે મોત તેમને પોકારી રહ્યું હોય તેમ કોલ્ડસ્ટોરેજમાંથી પરત ફરતા સમયે તમામ મિત્રો બાયલ-ઢાંખરોલ તળાવમાં નાહવા પડ્યા હતા.
થોડીવારમાં નાહવા પડેલા બે મિત્રો તળાવનાં કાદવમાં ફસાયા બાદ ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા સાથે નાહવા પડેલા સગીરોએ બંને મિત્રોને બચવા ભારે પ્રયત્ન કર્યા હતા અને બૂમાબૂમ કરી મુકતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.
સ્થાનીક તરવૈયાઓ પણ તળાવમાં ડૂબકી લગાવી બંને સગીરોને બચાવવા પ્રયત્ન કરી બંને સગીરોને બહાર કાઢ્યા હતા. સમય વધારે વહી જતાં બંને સગીરોનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. બંને સગીર એકના એક જ પુત્ર હોવાથી બે ઘરના કુળદીપક બુજાતા ભારે શોકાગ્નિ છવાઈ હતી. પરિવારજનોએ ભારે કલ્પાંત કરી મૂક્યું હતું. મોડાસા રૂરલ પોલીસે બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસા તાલુકાના ઈટાડી ગામના મયુર ડાહ્યાભાઈ મકવાણા અને અજય ચંદુભાઈ મકવાણા નામના સગીરો તેમના મિત્રો સાથે નજીકમાં આવેલ કોલ્ડસ્ટોરેજમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતા ગુરુવારે સાંજના સુમારે કોલ્ડસ્ટોરેજ પરથી પરત ફરતા સમયે બાયલ-ઢાંખરોલ ગામના તળાવમાં પાણી જોઈ નાહવા લલચાઈ જતા તમામ મિત્રો તળાવમાં નાહવા પડ્યા હતા.
થોડોક સમય તળાવમાં છબછબિયાં કર્યા બાદ મયુર અને અજય તળાવનાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા સાથે નાહવા પડેલા મિત્રોએ બંનેને તળાવમાં ડૂબતા બચાવવા ભારે મથામણ કરવા છતાં પાણીમાં ગરકાવ થઇ જતા ગભરાઈ ઉઠેલા મિત્રોએ બુમાબુમ કરતા આજુબાજુ થી ગામલોકો અને સ્થાનિક તરવૈયાઓ દોડી આવી બંને મૃતક યુવકોની ઉંડા પાણીમાં શોધખોળ હાથધરી બંને મૃતક સગીરોને બહાર કાઢ્યા હતા.
પરિવારજનો બંને યુવકના મૃતદેહ જોઈ ભાંગી પડ્યા હતા અને ભારે કલ્પાંત કરી મુકતા કોણ કોણે હૈયાધારણા આપે તેવા દ્રશ્યો સર્જાયા હતા. મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક યુવકની લાશને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.