Waghodia

વડોદરા–હાલોલ રોડ પર ટ્રક અને પીકઅપ બોલેરો વચ્ચે ટક્કર, વિદેશી દારૂની રેલમછેલ

કુમેઠા નજીક ગંભીર અકસ્માત, પીકઅપમાંથી ફાયર સેફ્ટી સિલિન્ડર અને પીપમાં ભરેલો પોણાચાર લાખનો દારૂ ઝડપાયો; એકનું મોત, બે ઈજાગ્રસ્ત


વાઘોડિયા | પ
વડોદરા–હાલોલ રોડ પર કુમેઠા ગામના પાટીયા નજીક મંગળવારે સવારે ટ્રક અને પીકઅપ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પીકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત બાદ સ્થળ પર દારૂની તીવ્ર દુર્ગંધ ફેલાતાં સમગ્ર ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. તપાસ દરમિયાન પીકઅપ વાનમાં ફાયર સેફ્ટી સિલિન્ડરો અને પીપોમાં છુપાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કેટલીક બોટલો તૂટતાં રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી.

જરોદ પોલીસ મથકના પી.આઈ. જે.યુ. ગોહીલ અને એએસઆઈ રામસિંહ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસમાં કુલ 2233 બોટલ દારૂ અને બિયર, જેની અંદાજિત કિંમત રૂ. 3.73 લાખ થાય છે, તે કબ્જે કરવામાં આવી હતી. દારૂ ભરેલા સિલિન્ડર, પીપ તથા પીકઅપ વાન સહિત કુલ રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અકસ્માતમાં પીકઅપ વાનમાં કચ્ચડાઈ જતા કરશનભાઈ ઉર્ફે ઉંગો ધનાભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ભાવનગર જિલ્લાના રહેવાસી વિનોદભાઈ મનજીભાઈ મકવાણા અને છત્રપાલસિંહ ધનુભાઈ ગોહીલને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ભરેલી પીકઅપ ભાવનગર તરફ જઈ રહી હતી. પોલીસે મૃતક સહિત ત્રણેય સામે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: બજરંગ શર્મા, વાઘોડિયા

Most Popular

To Top