Gujarat

હર્ષ સંઘવીએ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી, આવતીકાલથી જ આણંદ-બોરસદ રૂટ પર બસ શરૂ કરવા આદેશ કર્યો

ગાંધીનગર,તા.6

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તેમના આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા બસના વિવિધ રૂટ અને તેના આવાગમનના સમય સહિતની બાબતોની જાણકારી મેળવી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમની જરૂરિયાતોથી માહિતગાર થયા હતા. આણંદ ખાતે નાયબ મુખ્યમંત્રીએ નવા બસ સ્ટેન્ડ માટે હાથ ધરવામાં આવનાર વિકાસલક્ષી કામગીરીની ટુંકમાં જાણકરી મેળવી હતી. તેમજ સંઘવીએ આગામી સમયમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટેના આયોજન અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

આ મુલાકાત વખતે મંત્રી ડે સીએમ હર્ષ સંઘવીએ સ્ટેન્ડ પર ઊભેલી બોરસદ રૂટની બસમાં પ્રવેશી તેમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને બસના સમયપત્રક અંગે પૃચ્છા કરી બસમાં સ્વચ્છતાના માપદંડોનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે બસમાં ઉપસ્થિત મુસાફરો અને વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા માટે અન્યોને પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.

મુલાકાત દરમિયાન વાહન વ્યવહાર સંઘવીએ સંકેત આપ્યા હતા કે રાજ્યભરમાં આગામી સમયમાં નવી ૨૦૦ બસો શરૂ કરવામાં આવશે. જેમાંથી ૪ નવી બસો આણંદ-બોરસદ રૂટ પર ફાળવવામાં આવશે, જેનાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. વધુમાં ખંભાત સુધીની બસોના રૂટની સંખ્યામાં પણ વધારો કરાશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

સંઘવીએ આ તકે સ્ટેન્ડ પરના ઇન્કવાયરી વિન્ડો પર ફરજરત GSRTC ના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે બસ સેવાઓમાં ખૂટતી કડીઓ અને જરૂરી સુવિધાઓનો તાગ મેળવીને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જળવાય અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેમજ પરિવહન સેવા વધુ સુદ્રઢ બને તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો.

Most Popular

To Top