રિક્ષામાં બેઠેલા પેસેન્જરોની નજર ચૂકવી સોનાના દાગીના ચોરતી ગેંગના સાગરિતોને સુરતની ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ચોરટાઓ છેક પાલીતાણાથી સુરત શહેરમાં ચોરી કરવા આવતા હતા. બે ગુનામાં વોન્ટેડ 3 આરોપીઓને ઝડપી ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ આરોપી ઝડપાયાઃ કિશોર ઉર્ફે બોની ભગવાન સોલંકી (ઉં.વ. 36), પપ્પુ ઉર્ફે રઘો અશોક પરમાર (ઉં.વ. 27) અને વિજય ઉર્ફે કાળુ બચુ પરમાર (ઉં.વ. 28 તમામ રહે. પાલીતાણા ગરાજીયા રોડ ભીલવાસ, ધારવાળા દાદાના મંદિર પાસે, પાલીતાણા, ભાવનગર) ઝડપાયા છે.
શું ફરિયાદ હતી?
ગઈ તા. 23-5-2025થી 24-5-2025 દરમિયાન રિક્ષામાં ત્રણ અજાણ્યા ઈસમો અને એક મહિલા પેસેન્જર તરીકે બેઠા હતા ત્યારે સહ સાગરિત મહિલાને બેસાડી ચાલુ રિક્ષામાં ફરિયાદીને આગળ પાછળ કરી નજર ચુકવીને કટર વડે હાથમાં પહેરેલી સોનાની બંગડી કાપી નાંખી ચોરી હતી.
મોડસ ઓપરેન્ડી શું હતી?
ત્રણેય આરોપીઓ ચોરી કરવા પોતાની ભત્રીજીને સાથે સુરત લાવતા હતા. અહીં મિત્રની ઓટો રિક્ષા લઈ અલગ અલગ વિસ્તારમાં પેસેન્જર તરીકે એકલ દોકલ મહિલાને બેસાડતા હતા. પેસેન્જર મહિલાએ હાથમાં પહેરેલી સોનાની બંગડીને છુપી રીતે કટર વડે કાપી ચોરી કરી લેતા હતા. બે ગુના નોંધાયા હતા. ધરપકડથી બચવા ચોરી કર્યા બાદ વતન છોડી દ્વારકા, ઓખા વિસ્તારમાં ચાલ્યા જતા હતા.
કેવી રીતે પકડાયા?
હાલ વતનમાં કુળદેવી ધારવાળા રખાદાદાના માંડવામાં આવનાર હોવાની બાતમી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. ટીમ પાલીતાણા જઈ વોચમાં રહી આરોપીઓને પકડ્યા હતા.