સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં ગેસ વિભાગની ટીમોએ ધામા નાખ્યા :
યાકુતપુરા, જુની ગઢી પાણીગેટ અને છીપવાડ વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી કાર્યવાહી ચાલશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા ગેસ લિમિટેડની જુદી જુદી ટીમો આજે સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસના બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. 300 જેટલા ગેસ કનેક્શનમાં આશરે અઢી કરોડ જેટલી બાકી ગેસ બિલની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આગામી ચાર દિવસ સુધી યથાવત રહેશે.

સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા યાકુતપુરા, જુની ગઢી પાણીગેટ અને છીપવાડ વિસ્તારમાં ગેસ બિલની બાકી રકમની વસૂલાત માટે ગેસ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. બાકી બિલ ન ભરનારા ગ્રાહકોના ગેસ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં રહેવાસીઓમાં ચર્ચા જાગી છે. ગેસ વિભાગ દ્વારા લાંબા સમયથી બાકી રકમની વસુલાત માટે આ પગલું લેવામાં આવ્યું છે અને વધુ વિસ્તારોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે. બાકી બિલ તાત્કાલિક ભરીને કનેક્શન પુનઃ સ્થાપિત કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

વડોદરા ગેસ લિમિટેડના અધિકારી હર્ષ રાજે જણાવ્યું હતું કે, સિટી પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારો જેમાં વડોદરા ગેસ લિમિટેડના જે ગ્રાહકો છે અને જેમનું પેમેન્ટ બાકી છે, તેની રિકવરી કરવામાં આવી રહી છે. અંદાજિત 300 જેટલા નામ છે. જેમનું બાકી પડતું બિલ છે આગામી ચાર દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે. બે થી અઢી કરોડ જેટલી રિકવરી બાકી છે. લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે, જેનું પણ બિલ બાકી હોય તે તાત્કાલિક ભરવામાં આવે.