અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ અજાણ્યા શખ્સ દ્વારા મળ્યો હતો. જેના પગલે તાત્કાલિક કોર્ટની કામગીરી સ્થગિત કરીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસના અંતે કંઈ જ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી ન હતી.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ પાસે જૂની હાઇકોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ કોર્ટ રજિસ્ટ્રારને મળ્યો હતો.

આ ધમકીભર્યા ઈમેલની જાણ નવરંગપુરા પોલીસને કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ, બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની તમામ ટીમોએ કોર્ટ સંકુલમાં તપાસ હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે ગ્રામ્ય કોર્ટ સંકુલને તાત્કાલિક ખાલી કરી કોર્ટ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કોર્ટ સંકુલમાં સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.