નિર્દોષના મોતની રાહ જોતું તંત્ર? જો બસ કે કાર ખાબકી હોત તો જવાબદાર કોણ? માનીતા કોન્ટ્રાક્ટરોને છાવરવાનું બંધ કરો
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી વધુ એકવાર સપાટી પર આવી છે. શહેરના પોશ ગણાતા ગોત્રી-સેવાસી રોડ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન એક વિશાળ ડમ્પર અચાનક ખાડામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ પાલિકાના અધિકારીઓ અને માનીતા કોન્ટ્રાક્ટરોની લાપરવાહી સામે સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ગોત્રી-સેવાસી રોડ પર પાલિકા દ્વારા ખોદકામની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન સુરક્ષાના પૂરતા સાધનો કે બેરિકેડનો અભાવ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં દાખવવામાં આવેલી બેદરકારીને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રસ્તા પરથી પસાર થતું ભારે ભરખમ ડમ્પર અચાનક જમીન ધસી પડતા કે ખાડામાં ઉતરી જતાં ફસાઈ ગયું હતું.
શહેરમાં ઠેર-ઠેર ખોદાયેલા ખાડા અને નબળી કામગીરીને કારણે જનતા પરેશાન છે. ચર્ચા છે કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશોના આશીર્વાદથી જ કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામ કરી રહ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં પણ કોઈ દંડ કે બ્લેકલિસ્ટની કાર્યવાહી ન થતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
હવે જોવાનું એ રહેશે કે, આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર આ મામલે તપાસના આદેશ આપી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં ભરે છે કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડી દેવામાં આવશે.
જનતાના તીખા સવાલો: ‘તંત્ર કોઈના મોતની રાહ જુએ છે?’
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે:
*જો ડમ્પરની જગ્યાએ કોઈ મુસાફરો ભરેલી બસ કે ફોર-વ્હીલર આ ખાડામાં ખાબકી હોત અને કોઈનો જીવ ગયો હોત, તો તેની જવાબદારી કોણ લેત?
*શહેરમાં અવારનવાર પડતા ભુવા અને અધૂરી કામગીરીને કારણે અકસ્માતો સર્જાય છે, છતાં માનીતા કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?
*શું મ્યુનિસિપલ કમિશનર કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે ત્યારે જ જાગશે?