સાહિત્યકાર, નવલકથાકાર, પત્રકાર, ચિત્રકાર, ગઝલકાર, આ બધાને કલમના કસબીઓ કહેવામાં આવે છે.કેમ કે ગુજરાતી-હિન્દી ભાષાના શબ્દોનું ગહન ખેડાણ કરીને ઉત્કૃષ્ટ રચના કરતા હોય છે અને લાંબી કહાનીવાળી નવલકથા તૈયાર કરે છે.પત્રકારો પણ રોજબરોજની બનતી ઘટનાનું નિરૂપણ કરીને સમાચારો તૈયાર કરે ત્યારે દૈનિક અખબાર પ્રસિધ્ધ થાય છે. આમ તંત્રીલેખ, અગ્રલેખ, ચર્ચાપત્રો વિવિધ કોલમો એ જે તે અખબારનું હાર્દ કહેવાય છે. ચિત્રકારો પણ પીંછી કલમ દ્વારા નયનરમ્ય ચિત્રો તૈયાર કરે છે.ગઝલકારો શાયરો શબ્દોનું સેટિંગ ગોઠવીને ગઝલ શાયરીનું નિર્માણ કરતા હોય છે. હાસ્યકારોની તો વાત જ અલગ છે.
શબ્દોની રચનાનો બીજો અર્થ કરીને તેમાંથી હાસ્ય પેદા કરીને શ્રોતાઓને ખડખડાટ હસાવે છે. આ બધા કલમના કસબીઓનું હથિયાર કલમ (પેન) છે.પરંતુ સસ્તી મોંઘી પેન વેચનારા દુકાનદારને કંઈ કલમનો કસબી ન કહેવાય. પીઢ સાહિત્યકાર કવિ ભગવતીકુમાર શર્માએ આજીવન ‘ગુજરાતમિત્ર’માં સેવા આપી હતી. તેઓ હયાત નથી પરંતુ તેમની રચના સદાયે અમર છે. સુરતના ગઝલકાર ગની દહીંવાલા પોતે વધુ ભણેલા ન હતા, દરજી કામ કરતાં ગઝલો બનાવી હતી તે આજે પણ યાદગાર છે. કલમના કસબી મુંડીપતિ નથી હોતા,પોતાના મુડના પતિ હોય છે.
તરસાડા, માંડવી- પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.