Chhotaudepur

છોટાઉદેપુર એસ.ઓ.જી.ની મોટી કાર્યવાહી: રૂ. 62.39 લાખના લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા


છોટાઉદેપુર |
ગુજરાતમાં નશીલા પદાર્થોના દુષણને જડમૂળથી નાબૂદ કરવા પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. યુવાધનમાં નશાનો વધતો પ્રવાહ અટકાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત છોટાઉદેપુર એસ.ઓ.જી. ગ્રુપે મોટી સફળતા હાંસલ કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સીંગલદા ગામે એસ.ઓ.જી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન સીંગલદા ગામે રહેતા ભગુભાઈ બુઠીયાભાઈ રાઠવાના કબ્જાભોગવટાના ખેતરમાં બિનઅધિકૃત રીતે ઉગાડવામાં આવેલા વનસ્પતિજન્ય માદક પદાર્થના લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.
પોલીસે ખેતરમાંથી કુલ 151 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ થતું હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા ગાંજાના છોડની બજાર કિંમત અંદાજે રૂ. 62,39,500/- આંકવામાં આવી છે.
આ સમગ્ર મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ માટે મામલો કવાંટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
છોટાઉદેપુર એસ.ઓ.જી.ની આ કાર્યવાહીથી વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન અને હેરાફેરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

રિપોર્ટર: સંજય સોની

Most Popular

To Top