અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા રાજકીય અને લશ્કરી તણાવના માહોલ વચ્ચે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં આજે 3 જાન્યુઆરી શનિવારે વહેલી સવારે એક પછી એક અનેક ધડાકાઓ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાએ દેશની આંતરિક સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.
સ્થાનિક મીડિયા અને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓના જણાવ્યા મુજબ પ્રથમ ધડાકો સ્થાનિક સમય પ્રમાણે રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો. ત્યારબાદ અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ સાત જેટલા જોરદાર અવાજો સંભળાયા હતા.
આ ધડાકાઓ બાદ શહેરના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં ખાસ કરીને દક્ષિણ કારાકાસમાં જ્યાં સૈન્ય સ્થાપનાઓ આવેલી છે.
જોકે આ ઘટનાના સમયે શહેરના આકાશમાં ઓછી ઊંચાઈએ ઉડતા વિમાનોના અવાજ પણ સંભળાતા હોવાની લોકો દ્વારા માહિતી આપવામાં આવી છે. અચાનક બનેલી પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં લોકો ઘરમાંથી બહાર નીકળી રસ્તાઓ પર એકત્રિત થયા હતા. જોકે હજુ સુધી સરકાર કે સૈન્ય તરફથી ધડાકાઓના કારણ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ ઘટના એવા સમયે બની છે. જ્યારે વેનેઝુએલાએ તાજેતરમાં પાંચ અમેરિકી નાગરિકોને અટકાયતમાં લીધા છે. આ ધરપકડોને અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે જોડીને જોવામાં આવી રહી છે. બીજી તરફ અમેરિકામાંથી પણ કઠોર નિવેદનો સામે આવી રહ્યા છે અને તેલ, ઊર્જા અને સંપત્તિ મુદ્દે બંને દેશો આમને-સામને છે.
વિશ્લેષકો માને છે કે કારાકાસમાં થયેલા આ ધડાકાઓ ફક્ત એક સુરક્ષા ઘટના નહીં પરંતુ બદલાતા વૈશ્વિક રાજકીય સમીકરણોમાં વેનેઝુએલાની સ્થિતિને દર્શાવતી મહત્વપૂર્ણ ઘટના બની શકે છે.