મહારાષ્ટ્રમાં આવનારી મહાનગરપાલિકા અને BMCની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. આવતી 15 જાન્યુઆરી 2026એ યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભાજપ પ્રેરિત ‘મહાયુતિ’ ગઠબંધને મોટો ફાયદો મેળવી લીધો છે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં મહાયુતિના કુલ 68 ઉમેદવારો કોઈ પણ સ્પર્ધા વિના બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
આ બિનહરીફ જીતમાં સૌથી મોટો હિસ્સો ભાજપના ખાતામાં ગયો છે. ભાજપના 44 ઉમેદવારો જીત્યા છે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને 22 અને અજિત પવારના NCP જૂથને 2 બેઠકો મળી છે. રાજકીય વિશ્લેષકોના મતે મતદાન પહેલા મળેલી આ સફળતા મહાયુતિ માટે વ્યૂહાત્મક અને માનસિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
થાણે જિલ્લાના કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં સૌથી વધુ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત પુણે, પિંપરી-ચિંચવડ, પનવેલ, ભિવંડી, ધુલે, જલગાંવ અને અહિલ્યાનગર જેવા મોટા શહેરોમાં પણ મહાયુતિના ઉમેદવારોને કોઈ પડકાર ન મળતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ચૂંટણી પહેલા જ આવા પરિણામો સામે આવવાથી સત્તાધારી ગઠબંધનની સંગઠન શક્તિ અને વિરોધ પક્ષોની તૈયારી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
પુણેમાં ભાજપના નેતાઓએ આ પરિણામોને જનવિશ્વાસનો સંકેત ગણાવ્યો છે. કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું કેપુણેમાં ભાજપનું પ્રભુત્વ યથાવત છે અને આગામી મેયર ભાજપનો જ હશે તેવી આશા વ્યક્ત કરી છે.
બીજી તરફ વિપક્ષ ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ આ બિનહરીફ જીતને લોકશાહી માટે ખતરનાક ગણાવી છે. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે દબાણ અને ભયના માહોલને કારણે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા મજબૂર થવું પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે 15 જાન્યુઆરીએ મતદાન અને 16 જાન્યુઆરીએ મતગણતરી યોજાશે. મતદાન પહેલા જ મળેલી આ સફળતાએ ચૂંટણીની દિશા અને દશા બંને પર અસર પાડતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.